Last Updated on by Sampurna Samachar
યુવાને આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરાઈ
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ન્યારી ડેમમાંથી અમદાવાદના અને હાલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તરીકે કામ કરતા યુવા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાને આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ન્યારી ડેમમાં સાંજે સાડા સાતેક વાગ્યે એક યુવાનની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને જોવા મળતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાંની સાથે જ તરવૈયાઓ ન્યારી ડેમ પહોંચી લાશ બહાર કાઢી હતી. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
આત્મહત્યા પાછળનુ કારણ અકબંધ
પોલીસ તપાસમાં મૃતક યુવાન પાસેથી સ્ટર્લિંગ હોસ્પિટલનું આઇકાર્ડ મળતાં તેના આધારે તપાસ શરૂ થતાં મૃતક અમદાવાદ રહેતો અને હાલ રાજકોટ સ્ટર્લિંગમાં રેડિયોલોજીસ્ટ વિભાગમાં નોકરી કરતો અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.૨૬) હોવાનું ખુલ્યું હતું.
તે મૃતક મુળ તામિલનાડુનો વતની હતો. તે અમદાવાદ સ્ટર્લિંગમાં રેડિયોલોજીસ્ટ વિભાગમાં ફરજ બજાવતો હતો. રાજકોટ હોસ્પિટલના ડેપ્યુટેશન પર નોકરી માટે ચારેક દિવસ પહેલા આવ્યો હતો. ચાર દિવસ પહેલા જ અમદાવાદથી ડેપ્યુટેશન પર રાજકોટ આવેલા આ યુવકે આપઘાત કર્યાની આશંકાએ વધુ તપાસ ચાલી રહી છે. તો તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.