Last Updated on by Sampurna Samachar
જમીનમાં ૮૪૪૦ ફૂટ નીચે ભારતીય કંપનીને મળ્યો ઓઇલ અને ગેસનો ભંડાર
આ કૂવામાંથી દરરોજ ૧૩ મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને ૩૨૭ બેરલ કન્ડેન્સેટ મેળવી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના ઊર્જા ક્ષેત્ર માટે સારા સમાચાર મળ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે, આફ્રિકન દેશ લિબિયામાં ભારતીય કંપનીઓને ક્રૂડ ઓઇલ અને ગેસનો નવો ભંડાર મળ્યો છે. આ મહત્ત્વની શોધ લિબિયાના ગદામસ બેસિન વિસ્તારમાં થઈ છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી કંપનીઓ ‘ઓઇલ ઇન્ડિયા લિમિટેડ‘ અને ‘ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ‘ ભાગીદાર તરીકે કામ કરી રહી છે, જ્યારે અલ્જેરિયાની કંપની સિપેક્સ આ પ્રોજેક્ટનું સંચાલન કરી રહી છે.

આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ૮૪૪૦ ફૂટની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કૂવામાંથી દરરોજ ૧૩ મિલિયન ક્યુબિક ફૂટ ગેસ અને ૩૨૭ બેરલ કન્ડેન્સેટ મેળવી શકાશે. મંત્રાલયે આ સિદ્ધિને ભારતીય ઊર્જા કંપનીઓના વૈશ્વિક સ્તરે વધી રહેલા પ્રભાવના ઉદાહરણ તરીકે ગણાવી છે.આ નવી શોધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત થશે અને ભવિષ્યમાં દેશની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ આ મોટી સફળતા બદલ કંપનીઓને અભિનંદન આપ્યા છે.