Last Updated on by Sampurna Samachar
૩ નવા ડિવિઝન અને ૩ નવા પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યા
આ સાથે જ શહેરમાં ૩ નવા પોલીસ સ્ટેશનો પણ કાર્યરત થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના સતત વિસ્તરી રહેલા વ્યાપ અને વસ્તીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, અમદાવાદમાં હવે ૩ નવા પોલીસ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે. જેમાં P,R અને જી ડિવિઝનનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં ૩ નવા પોલીસ સ્ટેશનો પણ કાર્યરત થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.

ગૃહ વિભાગની સૂચના મુજબ, નવા પોલીસ સ્ટેશનોમાં વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઇસ્ટનો સમાવેશ થાય છે. આ નવા વિભાગોના નિર્માણ બાદ પોલીસ સ્ટેશનોની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. p ડિવિઝનમાં કુલ ૩ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે નવા બનેલા ઇ ડિવિઝનમાં ઓઢવ, નિકોલ અને નવનિર્મિત વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
વધુમાં, અમદાવાદના ઝોન-૮ હેઠળ હવે ઇ અને જી ડિવિઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જી ડિવિઝન હેઠળ વટવા, વટવા GIDC અને રામોલ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવા માળખાને કારણે પોલીસની કામગીરી વધુ ઝડપી બનશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં સરળતા રહેશે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વધતા ટ્રાફિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર આ નવા ડિવિઝનની રચનાથી સીધી નજર રાખી શકાશે.