ગેરકાયદે ખનન કરતા તત્વો સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની લાલ આંખ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

કાળી મજૂરી કરાવતા અને ખનન કરતા તત્વોમાં ભારે નાસભાગ

૧.૫ કરોડનો મુદ્દામાલ પ્રશાસને સ્થળ પર જ જપ્ત કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

સરકારી સંસાધનો અને સરકારી જમીનો પર લૂંટ ચલાવતા ભૂમાફિયાઓ સામે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી દ્વારા ગત રાત્રે એક અત્યંત ગુપ્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાના ગેરકાયદેસર માટી ખનન કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રશાસનની આ ઓચિંતી રેડથી ખનિજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાંત અધિકારીની આગેવાનીમાં ટીમ વાગરા તાલુકાના હરીનગર ગામની સીમમાં પહોંચી હતી. જ્યાં આવેલા સરકારી સર્વે નંબર ૧૦ ની જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી કે રોયલ્ટી ચૂકવ્યા વિના તદ્દન બેખોફ બનીને મોટા પાયે માટીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું. પ્રશાસનની ગાડીઓ અચાનક આવી પહોંચતા જ ઘટના સ્થળે કાળી મજૂરી કરાવતા અને ખનન કરતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

અંધકારમાં અત્યંત તેજ ગતિએ કાળો કારોબાર ચાલી રહ્યો હતો

તંત્રએ સ્થળ પર સપાટો બોલાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા માફિયાઓ સાધનો જપ્ત કર્યા હતા. જેમાં માટીથી ખિચોખિચ ભરેલી બે ટ્રકો, માટી ભરવા માટે લાઈનમાં ઉભેલી અન્ય બે ખાલી ટ્રકો અને ગેરકાયદેસર ખોદકામ માટે વપરાતા બે મોટા હિટાચી મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.

આ તમામ મળીને કુલ રૂપિયા ૧.૫ કરોડનો મુદ્દામાલ પ્રશાસને સ્થળ પર જ જપ્ત કરી લીધો છે. જોકે, અંધારાનો લાભ લઈને બે ટ્રકો ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહી હતી, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. હાલમાં ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસે ભૂમાફિયાઓ વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી અને કરોડોના દંડ વસૂલાતની પ્રક્રિયા હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસાની સિઝન નજીક આવી રહી હોવાથી વાગરા પંથકમાં ભૂમાફિયાઓ ભારે સક્રિય બન્યા છે. ચોમાસું બેસે તે પહેલાં મોટા પાયે માટી સગેવગે કરી લેવા માટે રાત્રિના અંધારામાં અત્યંત તેજ ગતિએ આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. ખાસ કરીને વાગરાના ઔદ્યોગિક હબ એવા GIDC વિસ્તાર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધરાતે ભારેભરખમ ડમ્પરો અને ટ્રકોની અવરજવર શંકાસ્પદ રીતે વધી ગઈ છે.

સ્થાનિક નાગરિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, સરકારી અસ્કયામતોને લૂંટતા આ તત્વોને નાથવા માટે વહીવટી તંત્ર વાગરા GIDC પંથકમાં રાત્રિ પેટ્રોલિંગ અને ઓચિંતું ચેકિંગ વધુ સઘન બનાવે, જેથી આવા અન્ય કરોડો રૂપિયાના ખનન કૌભાંડો પણ બહાર આવી શકે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.