Last Updated on by Sampurna Samachar
બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવો ભારે પડ્યો
પંજાબે આઠ વિકેટે મેચ જીતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ ની ૧૩ મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર IPL ની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. BCCI એ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા દંડ ભરવા આદેશ આપ્યો છે. તેમજ તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે.
પંજાબ કિંગ્સનો બેટર પ્રિયાંશ આર્ય આઉટ થઈ જતાં બોલર દિગ્વેશ લેટર રાઈટિંગ સેલિબ્રેશન કર્યું હતું. જેના લીધે BCCI એ તેના પર મેચ ફીના ૨૫ ટકા દંડ ફટકાર્યો છે. તેમજ તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપ્યો છે. એકાના સ્ટેડિયમમાં રમાયેલી લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ ઈલેવનની મેચમાં પંજાબે આઠ વિકેટે મેચ જીતી હતી. લખનઉએ પંજાબને ૧૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબની બેટિંગ દરમિયાન ત્રીજી ઓવરના અંતિમ બોલમાં પ્રિયાંશ કેચઆઉટ થયો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સે રૂ. ૩૦ લાખમાં ખરીદ્યો હતો
IPL એ નિવેદન આપ્યું હતું કે, દિગ્વેશ સિંહે આર્ટિકલ ૨.૫ હેઠળ લેવલ ૧નો ગુનો સ્વીકાર્યો છે. અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા પણ સ્વીકારી છે. દિગ્વેશની ત્રીજી ઓવરના છેલ્લા બોલમાં પ્રિયાંશ કેચઆઉટ થયો હતો. શાર્દૂલ ઠાકૂરે મિડ-ઓનથી દોડી કેચ પકડ્યો હતો.પ્રિયાંશના આઉટ થતાં જ દિગ્વેશે હાથમાં કંઈક લખતો હોય તેવો સંકેત કર્યો હતો. જેના લીધે IPL ની આચાર સંહિતાનો ભંગ થયો હતો. એમ્પાયરે બોલરના આ ઈશારા પર ધ્યાન દોર્યું અને તેની સાથે વાત કરી હતી.
લેગ સ્પિનર દિગ્વેશ સિંહ રાઠી સુનીલ નરેનની જેમ બોલિંગ કરે છે. દિગ્વેશે ૨૦૨૪માં રમાયેલી દિલ્હી પ્રીમિયમ લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં દિગ્વેશે ૧૦ મેચમાં ૧૪ વિકેટ લઈ સૌથી વધુ વિકેટ ઝડપનાર ચોથો બોલર રહ્યો હતો. તેનો ઈકોનોમી રેટ ૭.૮૩ રહ્યો હતો. આઈપીએલ ૨૦૨૫ માટે લખનઉ સુપર જાયન્ટ્સે તેને રૂ. ૩૦ લાખમાં ખરીદ્યો હતો.