Last Updated on by Sampurna Samachar
આ ક્રિકેટરે ઓસ્ટ્રેલિયાને બે વખત વર્લ્ડ કપ જીતાડ્યો
૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા માટે ODI ડેબ્યૂ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નિવૃત્તિનો એક તબક્કો ચાલી રહ્યો હોય તેમ જણાઇ રહ્યુ છે. ત્યારે વધુ એક ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્મા પછી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટ છોડી દીધું. ત્યારબાદ શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝે પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય લીધો છે. ૩૬ વર્ષીય મેક્સવેલે ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું. તે ૨૦૧૫ અને ૨૦૨૩ વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ હતો. જોકે, તે હાલ T૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું ચાલુ રાખશે.
વર્લ્ડ કપ ૨૦૨૩માં ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ODI ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક રમી હતી. ઓસ્ટ્રેલિયાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જીતવા માટે ૨૯૨ રનનો લક્ષ્યાંક હતો. ટીમના ૭ બેટ્સમેન ૯૧ રન બનાવીને આઉટ થઈ ગયા હતા. અહીંથી હાર નિશ્ચિત દેખાતી હતી પરંતુ પછી મેક્સવેલ (Maxwell) નું તોફાન આવ્યું. તેણે ૧૨૮ બોલમાં ૨૦૧ રનની અણનમ ઇનિંગ રમી. હેમસ્ટ્રિંગને કારણે તે ચાલી પણ શકતો નહોતો. આ પછી પણ બેટ્સમેને ટીમને વિજય તરફ દોરી.
૧૩ વર્ષની ODI કારકિર્દીમાં ૧૪૯ મેચ રમી
ગ્લેન મેક્સવેલે માર્ચમાં જ ODI છોડી દેવાનું મન બનાવી લીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, તેણે ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીને કહ્યું હતું કે તેને લાગતું નથી કે તે ૨૦૨૭નો વર્લ્ડ કપ રમી શકશે. મેક્સવેલે કહ્યું- ‘મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે જે ખેલાડીઓ મારી જગ્યાએ રમવા જઈ રહ્યા છે તેઓએ તેના માટે આયોજન શરૂ કરવું જોઈએ. આ તકનો લાભ લેવાનો પ્રયાસ કરો અને ૨૦૨૭ ના વર્લ્ડ કપ માટે તે સ્થાનને પોતાનું બનાવો. આશા છે કે તેમને અગાઉથી પૂરતી તકો મળશે જેથી તેઓ તે ભૂમિકામાં સફળ થઈ શકે.
ગ્લેન મેક્સવેલે પોતાની ૧૩ વર્ષની ODI કારકિર્દીમાં ૧૪૯ મેચ રમી. આ દરમિયાન, તેના બેટથી ૩૩.૮૧ની સરેરાશ અને ૧૨૬.૭૦ના સ્ટ્રાઇક રેટથી ૩૯૯૦ રન આવ્યા. આ દરમિયાન, તેણે ૪ સદી અને ૨૩ અડધી સદી ફટકારી. બોલિંગમાં તેણે ૭૭ બેટ્સમેનોનો શિકાર કર્યો. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૪૦ રનમાં ૪ વિકેટ છે.
ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ તેની ODI કારકિર્દીની છેલ્લી મેચ હતી. ૪ માર્ચે દુબઈમાં રમાયેલી મેચમાં મેક્સવેલ ૭ રન બનાવીને અક્ષર પટેલના બોલ પર બોલ્ડ થયો હતો. મેક્સવેલ IPL ૨૦૨૫માં પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.