Last Updated on by Sampurna Samachar
દુબઈમાં વહેલી સવારે ધડાકાથી થઇ અફરાતફરી
સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ ઓમાન અને ઈરાન વચ્ચે ખાડીમાં સ્થિતિ સામાન્ય કરવા માટે વાતચીત ચાલી રહી છે. હોર્મુઝને લઈને સમજૂતીની વાત વચ્ચે સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ શહેર ફરી નિશાન પર આવ્યું છે. અહીં વહેલી સવારે અફરાતફરી મચી ગઈ હતી, જાબેલ અલી ઔદ્યોગિક વિસ્તારમાં સતત અનેક જોરદાર ધડાકા થયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં આકાશમાં ધુમાડાના મોટા-મોટા ગોટેગોટા ઉઠતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી મેહરના જણાવ્યા અનુસાર, અમીરાતી અધિકારીઓએ દાવો કર્યો કે લગભગ ૨૦ મિનિટમાં ઓછામાં ઓછા ૭ ધડાકા થયા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ વિસ્ફોટોનું કારણ શું હતું અને સત્તાવાર રીતે પણ તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
યમનથી મિસાઇલો છોડવામાં આવી હોવાના દાવા
ધડાકા જાબેલ અલી પોર્ટ અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં થયા હતા, જે UAE નું એક મહત્વપૂર્ણ બંદર અને ઈંધણ વિતરણ કેન્દ્ર માનવામાં આવે છે. આ ઉપરાંત તેને લોજિસ્ટિક્સ હબ પણ કહેવામાં આવે છે. સદનસીબે, અત્યાર સુધી કોઈના ઘાયલ થવાની કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
ઘટના બાદ સોશિયલ મીડિયા પર ધડાકા અને આગના વીડિયો ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર, અમીરાતી અધિકારીઓએ ઘટનાનો વીડિયો બનાવનારા ૨ લોકોને કસ્ટડીમાં લીધા છે.
મેહર સમાચાર એજન્સીએ દાવો કર્યો કે આ ધડાકા યમનથી છોડવામાં આવેલી મિસાઇલોને કારણે થયા હતા. જ્યારે અમીરાતના સ્થાનિક મીડિયાએ માત્ર એટલું જ કહ્યું કે અનેક ધડાકાના અવાજો સંભળાયા હતા, પરંતુ મિસાઇલ હુમલો થયો હોવાની કે અન્ય કોઈ કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ દરમિયાન, નાસાની થર્મલ ઇમેજરીનો હવાલો આપીને સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે જાબેલ અલી પોર્ટ પાસે આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગોડાઉનનો ઉપયોગ ઈંધણના સંગ્રહ અને સ્થળાંતર માટે કરવામાં આવે છે. તેનાથી સંકેત મળે છે કે ધડાકા બાદ વિસ્તારમાં મોટી આગ લાગી હતી.
લગભગ આ જ સમયે યમનની રાજધાની સનામાં પણ વિસ્ફોટોના અહેવાલો સામે આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં તેને હવાઈ હુમલો ગણાવવામાં આવ્યો હતો, જ્યારે કેટલાકે દાવો કર્યો હતો કે યમનથી મિસાઇલો છોડવામાં આવી હતી. આ કારણે સમગ્ર ઘટનાક્રમને લઈને સ્થિતિ વધુ ગૂંચવાઈ ગઈ છે.
કેટલાક સ્થાનિક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યમનના હૂથી બળવાખોરોએ જાબેલ અલી ઔદ્યોગિક વિસ્તારને નિશાન બનાવ્યો હોઈ શકે છે. જોકે, અત્યાર સુધી ન તો UAE સરકારે કે ન તો હૂથી જૂથે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સમગ્ર ખાડી વિસ્તાર હાઈ એલર્ટ પર છે. એટલું જ નહીં, ઓમાન અને ઈરાન વચ્ચે હોર્મુઝને લઈને વાતચીત ચાલી રહી છે અને તે અંતિમ તબક્કામાં છે.