Last Updated on by Sampurna Samachar
મુસ્લિમ વસ્તી ધરાવતા વોર્ડમાં હિન્દુ મહિલાનો ભવ્ય વિજય
મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ ઉમેદવાર અપેક્ષાબેનને ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના રાજકારણમાં અનેકવાર જ્ઞાતિ-જાતિના સમીકરણો ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે ‘કોમી એકતા‘ અને ‘વિકાસના રાજકારણ‘નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં, જે સંપૂર્ણપણે મુસ્લિમ બહુલ વિસ્તાર ગણાય છે, ત્યાંથી અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ ભવ્ય વિજય મેળવી નવો ઇતિહાસ રચ્યો છે.

ગોધરાનો વોર્ડ નંબર ૭ એટલે એવો વિસ્તાર જ્યાં મતદારોની યાદીમાં ૧૦૦ ટકા મુસ્લિમ મતદારો છે. સામાન્ય સંજાેગોમાં અહીં ધર્મના આધારે મતદાન થવાની અપેક્ષા રખાતી હોય છે, પરંતુ અપેક્ષાબેન સોનીના કિસ્સામાં જનતાએ ‘જાતિવાદ‘ અને ‘ધર્મ‘ કરતા ‘વિકાસ‘ અને ‘સેવા‘ને વધુ મહત્વ આપ્યું છે. અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા અપેક્ષાબેને મોટા રાજકીય પક્ષોના સમીકરણોને ધ્વસ્ત કરી દીધા છે.
પરિવારનો વર્ષો જૂનો જનસંપર્ક જવાબદાર
આ વિજય પાછળ અપેક્ષાબેન અને તેમના પરિવારનો વર્ષો જૂનો જનસંપર્ક જવાબદાર છે. તેમણે પક્ષના પ્રતીક વગર, માત્ર પોતાના કામ અને લોકો સાથેના સંબંધો પર ભરોસો રાખ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવાનોએ તેમને પૂરતો ટેકો આપ્યો હતો. સ્થાનિક રહીશોનું માનવું છે કે, “અમને એવા પ્રતિનિધિની જરૂર હતી જે અમારા પ્રશ્નો સમજે અને વિસ્તારની ગંદકી, પાણી તથા રોડના પ્રશ્નો ઉકેલે, પછી ભલે તે ગમે તે ધર્મના હોય.
ચૂંટણીના પરિણામો જાહેર થતા જ વોર્ડમાં અભૂતપૂર્વ દ્રશ્યો જાેવા મળ્યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ ઉમેદવાર અપેક્ષાબેનને ખભે બેસાડીને વિજય સરઘસ કાઢ્યું હતું. ગુલાલની ઉછામણી અને ફટાકડાના અવાજ વચ્ચે કોમી એકતાના સૂત્રોચ્ચાર થયા હતા. આ વિજયે સાબિત કર્યું છે કે ગોધરા હવે બદલાઈ રહ્યું છે અને અહીંની જનતા ભાઈચારામાં માને છે.
અપેક્ષાબેન સોનીનો આ વિજય માત્ર એક વ્યક્તિની જીત નથી, પરંતુ લોકશાહીના તે મૂલ્યોની જીત છે જ્યાં ઉમેદવારની લાયકાત તેની જ્ઞાતિ કરતા મોટી ગણાય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જો જનપ્રતિનિધિ પ્રજાના હૃદયમાં સ્થાન બનાવે, તો ધર્મની કોઈ પણ દીવાલ તેને રોકી શકતી નથી.