Last Updated on by Sampurna Samachar
દેશભરમાં ૬૪ કરોડથી વધુની સાયબર છેતરપિંડી આચરી
સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત સાયબર ક્રાઇમ પોલીસે અડાજણ વિસ્તારના એક વૃદ્ધ વેપારી સાથે થયેલી ૫ લાખની ઓનલાઈન છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના ૧૮ વર્ષીય યુવક રોહિત સાક્યની ધરપકડ કરવામાં આવી હતી.

વાત કરીએ તો માત્ર ધોરણ-૧૧ સુધી અભ્યાસ કરેલા આરોપીએ નકલી એન્ડ્રોઇડ એપ ફાઇલો બનાવી દેશભરના સાયબર ઠગોને વેચી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તેની બનાવેલી ૧૨૧ નકલી એપ ફાઇલોનો ઉપયોગ કરીને દેશભરમાં ૬૪ કરોડથી વધુની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
યુટ્યુબ પર વીડિયો જોઈ નકલી એપ તૈયાર કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર અડાજણના એક વૃદ્ધ વેપારીને વોટ્સએપ મારફતે બેન્ક જેવી દેખાતી નકલી એપની APK ફાઇલ મોકલવામાં આવી હતી. વેપારીએ તે ડાઉનલોડ કરતાં મોબાઇલનો કંટ્રોલ ઠગોના હાથમાં પહોંચી ગયો અને તેમના ખાતામાંથી ૫ લાખ ઉપાડી લેવાયા. ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેક્નિકલ તપાસ શરૂ કરી અને ૧૪ જુલાઈએ ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાંથી રોહિત સાક્યની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપીએ વિવિધ બેન્કો, આરટીઓ ચલણ, કસ્ટમર સપોર્ટ, પીએમ કિસાન, ડીમાર્ટ સહિત અનેક સેવાઓના નામે કુલ ૧૨૧ નકલી APK ફાઇલો તૈયાર કરી હતી. તે આ ફાઇલો સાયબર ગેંગને ૧૦થી ૧૫ હજાર રૂપિયામાં એક મહિના માટે આપતો હતો અને ત્યારબાદ તેનો ઉપયોગ ચાલુ રાખવા માટે અલગથી રિન્યૂઅલ ચાર્જ પણ વસૂલતો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ ફાઇલો હજારો મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હતી અને તેમાંથી અનેક ઉપકરણોનો ગેરકાયદેસર ઍક્સેસ મેળવી બેન્ક ખાતા, ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ પેમેન્ટ એપ્સમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. સૌથી વધુ દુરુપયોગ આરટીઓ ચલણ, કસ્ટમર સપોર્ટ, પંજાબ નેશનલ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે બનાવેલી નકલી એપ્સનો થયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી યુટ્યુબ પર વીડિયો જોઈ અને કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી નકલી એપ્લિકેશન તૈયાર કરતો હતો. એપમાં બેન્કો અને અન્ય સંસ્થાઓના લોગો અને ડિઝાઇન અસલી જેવી રાખવામાં આવતી હોવાથી સામાન્ય લોકો સરળતાથી તેની જાળમાં ફસાઈ જતા હતા. એપ ઇન્સ્ટોલ થયા બાદ સાયબર ગેંગ પીડિતના મોબાઇલનો ઍક્સેસ મેળવી વ્યક્તિગત અને બેન્કિંગ માહિતી ચોરી લેતા હતા.
સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી પાસેથી બે મોબાઇલ ફોન અને નવ લેપટોપ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર નેટવર્ક, જામતારા ગેંગ સાથેના સંબંધો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોને અજાણી લિંક અથવા છઁદ્ભ ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરવા અને માત્ર સત્તાવાર એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની અપીલ કરી છે.