GATE ૨૦૨૫  નો વર્ચ્યુઅલી શુભારંભ કરાવતા અમિત શાહ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

મુખ્યમંત્રીએ એક્સ્પોની મુલાકાત લઈને ટ્રેડ એક્ઝિબિશન નિહાળ્યું

રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો  લક્ષ્યાંક

(સંપૂર્ણ સમાચાર સેવા)

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (GCCI) ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE ૨૦૨૫‘નો શુભારંભ કરાવ્યો હતો.

‘GATE ૨૦૨૫‘ ના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક્સ્પોની મુલાકાત લઈને ટ્રેડ એક્ઝિબિશન નિહાળ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

GCCI નો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોબોધન કરતા જણાવ્યું હતું કે કસ્તુરભાઈ શેઠ દ્વારા સ્પથાપાયેલી GCCI નો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. છેલ્લાં ૭૫ વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જનતાના હિતો તથા કુદરતી આફતોમાં સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે.

GCCI  તેની ૭૫ થી ૧૦૦ વર્ષની યાત્રાનો રોડમેપ તૈયાર કરીને ગુજરાતના વિકાસ સાથે તેને સંરેખિત કરીને આગળ વધે એમ જણાવીને કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ટ્રેડિંગ ચેઈનમાં ડિજિટલાઈઝેશન, યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, લઘુ અને મઘ્યમ ઉદ્યોગોનું સ્ટાર્ટ અપ સાથે જોડાણ, પાયોનિયર ઇન્ડસ્ટ્રી સાથે આનુષાંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ સહિતની બાબતો વિશે આવનારા સમયમાં GCCI આધુનિક અભિગમ સાથે કામગીરી કરે તથા સરકાર અને ઉદ્યોગો વચ્ચેની મહત્વની કડી બને અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપે તે અપેક્ષિત છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSME  થી સ્ટાર્ટ અપ સુધીની દરેક ઇન્ડસ્ટ્રીને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે.

દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ હંમેશા GCCI અને ઉદ્યોગોને સાથે લઈને તેમના સૂચનોને પ્રાધાન્ય આપીને રાજ્યમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ સ્થાપેલું. તેમનું માનવું રહ્યું છે કે ઉદ્યોગો મજબૂત બને તો અર્થતંત્ર આપોઆપ મજબૂત બને છે, તેમની એવી વિચારધારાને ભૂપેન્દ્રભાઈ સુપેરે આગળ ધપાવી રહ્યા છે તેનો આનંદ અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બન્યું છે એમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યની વિવિધ સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી.ટ્રેડ એક્સ્પો ‘GATE  ૨૦૨૫‘નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃત કાળમાંથી કર્તવ્ય કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. GCCI પણ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે એ સુભગ સંયોગ છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ ટ્રેડ એક્સ્પોની થીમ ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન‘ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતને ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ રાજ્યમાં વેપાર ઉદ્યોગોના વિકાસના સર્વગ્રાહી ઉદ્દેશ સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી.

GCCI એ સમયથી જ સરકાર અને વેપાર-ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બની છે.સરકારની નીતિઓ, પોલિસી અને બજેટ સહિતની બાબતો વિશે ઉદ્યોગોને માહિતગાર કરવામાં તથા ઉદ્યોગોના પ્રશ્નો સરકારના ધ્યાને લાવીને રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્થાપવામાં GCCI  હંમેશા કાર્યરત રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે ‘આર્ત્મનિભર ભારત‘ અને ‘મેક ઇન ઇન્ડિયા‘ અભિયાનોથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઊર્જા મળી છે. આજે વિશ્વભરની કંપનીઓ ભારતને ગ્લોબલ માર્કેટને બદલે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ઓટોમોબાઇલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇકવિપમેન્ટ્સ અને ટોયઝ મેન્યુફેક્ચરિંગ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં તેમજ સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી જેવા નવીન ક્ષેત્રોમાં રોજગારી સર્જન દ્વારા ગુજરાત અને ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યા છે.

દેશની GDP માં ૮.૩ ટકા, કુલ નિકાસમાં ૩૧ ટકા અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ૧૮ ટકાના ફાળા સાથે ગુજરાતનું યોગદાન મહત્વનું છે. વિવિધ ક્ષેત્રોને અનુરૂપ પોલિસી મેકીંગ અને પોલિસી ફ્રેમવર્ક દ્વારા દુનિયાના ઉદ્યોગો અને એફડીઆઈને આકર્ષવામાં પણ ગુજરાત સફળ રહ્યું તેમ તેમણે કહ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘અર્નિંગ વેલ, લીવીંગ વેલ‘ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ મોટા ઉદ્યોગો સાથે જોડાણ થકી મેન્ટરશીપ કાર્યક્રમો શરૂ કરવાના વડાપ્રધાનના વિચારને સાકાર કરવાની દિશામાં GCCI લીડ લે તેવો અનુરોધ કરીને ઉપસ્થિત સૌને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પો પ્રત્યે પોતાનું યોગદાન આપીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઉદ્યોગ ધંધાના વિકાસ અર્થે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ વટવૃક્ષ સમાન બની છે. જેના પરિણામે રાજ્યની નિકાસ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યા છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે. આજે વિશ્વની ઘણી નામાંકિત કંપનીઓ રાજ્યમાં કામ કરી રહી છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના ચેરમેન અને પદ્મભૂષણ પંકજભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે GCCI ની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલો આ ટ્રેડ એક્સ્પો MSMES , અન્ય વેપાર-ઉદ્યોગો તથા ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલા લોકોને સાથે લાવીને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

GCCI ના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરે આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે ‘વિઝન ૨૦૪૭‘ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં GCCI ની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તથા સંસ્થાની વ્યૂહરચનાઓ, કામગીરી અને ટ્રેડ એક્સ્પો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વિઝન ૨૦૪૭‘ ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલા ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો GATE ૨૦૨૫માં વેપાર ઉદ્યોગોમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને આર્થિક વિકાસના ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦ થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાશે. ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન‘ની થીમ સાથે યોજાયેલા આ ટ્રેડ એક્સ્પોમાં ૧૫,૦૦૦ થી વધુ વિઝીટર્સ ભાગ લેનાર છે.

આ પ્રસંગે GCCI  ના ૭૫ વર્ષની સફરને દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું તથા આવનારા ટ્રેડ એક્સ્પો ‘GATE  ૨૦૨૬‘ અને અન્ય કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી.જીસીસીઆઈના ટ્રેડ એક્સ્પો ‘GATE ૨૦૨૫‘ ના શુભારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરના ધારાસભ્યો, જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, ટોરેન્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, GCCI ના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.