Last Updated on by Sampurna Samachar
અસદુદ્દીન ઓવૈસીએ સર્વપક્ષીય બેઠકમાં કરી ચર્ચા
TRF વિરુદ્ધ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ચલાવવું જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં યોજાયેલ સર્વપક્ષીય બેઠકમાં સરકારે રાજકીય પક્ષોને ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી હતી. આ દરમિયાન આતંક પર સકંજો કસવા આ બેઠકમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત સરકારને મહત્ત્વના સૂચન કર્યા છે. હવે બેઠક બાદ ઓવૈસીએ સંપૂર્ણ જાણકારી આપી છે.
ઓવૈસીએ જણાવ્યું કે, મેં સર્વપક્ષીય બેઠકમાં આપણી સેનાની પ્રશંસા કરી. તેમણે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. મેં બેઠકમાં કહ્યું કે, આપણે TRF વિરુદ્ધ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ચલાવવું જોઈએ, ખાસ કરીને સિક્યોરિટી કાઉન્સિલે તેનું એલાન કરવું જોઈએ.
બ્રિટને પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવા જોઈએ
ઓવૈસીએ કહ્યું કે, આપણે અમેરિકાને એ કહેવાનું છે કે, તમે પોતાના દેશમાં TRF ને આતંકવાદી સંગઠન જાહેર કરો. ફેબ્રુઆરી ૨૦૨૫ માં હાફિઝ સઈદના પુત્રએ એક ભાષણમાં કહ્યું હતું કે, અમે ૨૦૨૫ માં જિહાદ કરીશું. તેઓ જિહાદના નામે ભારતમાં હત્યા કરવા માંગે છે. તેઓ આતંક ફેલાવવા માંગે છે. અમે સંયુક્ત રાષ્ટ્રને TRF ને આતંકવાદી સંગઠન જાહેર કરવા વિનંતી કરીએ છીએ. પાકિસ્તાનને FATF ની ગ્રે લિસ્ટમાં રાખવું જોઈએ.
ઓવૈસીએ કહ્યું કે, આપણે બ્રિટન સાથે ટ્રેડ ડીલ પણ કરી છે. આવી સ્થિતિમાં અમે તેમને TRF પર પ્રતિબંધ મૂકવા માટે પણ કહીશું. બ્રિટનના નાણાં મંત્રાલયે પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવા જોઈએ. અમે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યા છીએ, તો આવી સ્થિતિમાં અમેરિકાને પાકિસ્તાનને આતંકવાદી યાદીમાં મૂકવા માટે પણ કહીશું.