Last Updated on by Sampurna Samachar
અરબ સાગરમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે
રાજસ્થાનમાં ભીષણ હીટવેવની વાપસીની ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા દેશના અનેક ભાગો માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ વર્તમાનમાં ભારત પર એક સાથે ૫ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખુશનુમા બનેલું છે, ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં ૯ મેથી ભીષણ હીટવેવની વાપસીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું ઍલર્ટ છે.

હવામાન વિભાગ મુજબ ભારતમાં આ સમયે એક-બે નહીં પરંતુ ૫ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પાંચેય ઘેરા અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહ્યા છે, જેનાથી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે અણસાર આપ્યા છે કે બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આગામી થોડા દિવસો સુધી હવામાન બદલાયેલું રહેશે. બિહારમાં શરૂ થયેલો વરસાદ અને ગાજવીજનો સિલસિલો ૧૦ મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આગામી ૩-૪ દિવસ અહીં તાપમાન નિયંત્રિત રહેશે. ત્યારબાદ ૧૦ થી ૧૨ મે વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપશે, જેનાથી દિલ્હી ફરીથી કૂલ થઈ જશે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ૯ મેથી પશ્ચિમ રાજસ્થાનમાં ફરી એકવાર હીટવેવની સ્થિતિ સર્જાશે. તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટવાનું છે, જેના કારણે પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં વાદળો ઓછા થઈ ગયા છે. ઉત્તર રાજસ્થાન અને પંજાબ ક્ષેત્રમાં એક શુષ્ક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે.
જેનાથી એક પૂર્વ-પશ્ચિમ ટ્રફ મધ્ય ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું છે, જે આગામી બે દિવસમાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના પહાડી વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ગાજવીજ અને હળવો વરસાદ કરાવી શકે છે. પંજાબ અને હરિયાણાના મોટાભાગના મેદાની ભાગોમાં હવામાન એકદમ સાફ રહેશે. આ વિસ્તારોમાં પવનોની દિશાને કારણે તાપમાન ૪-૬ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જોકે, તાપમાન સામાન્ય કરતાં થોડું ઓછું જ રહેશે.
૨૦૨૬માં માર્ચ અને એપ્રિલમાં ભારતીય સમુદ્રોમાં કોઈ પણ વાવાઝોડું બન્યું નથી. પરંતુ, હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર, શક્યતા છે કે ૧૦ મેની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક ચક્રવાત બની શકે છે. જાે કે, તેની પુષ્ટિ માટે હજુ ૪૮ થી ૭૨ કલાકનો સમય લાગશે. સામાન્ય રીતે આ પ્રકારના તોફાન આફ્રિકાના હોર્ન (સોમાલિયા તટ) તરફ આગળ વધે છે, જે આ વખતે પણ સંભવિત દિશા હોઈ શકે છે.
બીજી તરફ દક્ષિણ ભારતમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. દઝાડતી ગરમીથી રાહતના સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ૩૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. બિહારમાં ૧૦ મે સુધી વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું ઍલર્ટ છે. સાથે જ, ગાંગેય પશ્ચિમ બંગાળમાં ૯ મેના રોજ ૫૦-૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ૧૦ મે સુધી ધોધમાર વરસાદ થશે.