Last Updated on by Sampurna Samachar
હૈદરાબાદમાંથી સરોગસી અને સ્પર્મ તસ્કરીના રેકેટનો પર્દાફાશ
દંપતિએ બાળકનો DNA ટેસ્ટ કરાવતાં કૌભાંડ બહાર આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદમાં એક ભયાનક અને ગેરકાયદેસર સરોગસી અને સ્પર્મ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માત્ર આ એક દંપતીને જ નહીં, પરંતુ દેશભરના ફર્ટિલિટી ક્લિનિક્સ પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. જ્યારે એક દંપતીએ તેમના પુત્રનો DNA ટેસ્ટ કરાવ્યો, ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સરોગસી દ્વારા જન્મેલા આ બાળકનો DNA તેમના માતાપિતાના DNA સાથે મેચ થયો ન હતો. આ જોઈને, તેઓ સીધા પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યારે પોલીસે તેમની ફરિયાદના આધારે રેજિમેન્ટલ બજારમાં સ્થિત યુનિવર્સલ સૃષ્ટિ ફર્ટિલિટી સેન્ટર પર દરોડો પાડ્યો, ત્યારે આગળ જે ખુલાસો થયો તે વધુ ભયાનક હતો.
ખોટા વચનો આપીને સરોગસીના નામે નવજાત શિશુઓ વેચતી
પોલીસે આ કેસમાં ઓછામાં ઓછા ૧૦ લોકોની ધરપકડ કરી છે, જેમાં ફર્ટિલિટી સેન્ટરના મેનેજર ડૉ. અટલુરી નમ્રતા ઉર્ફે પચીપાલા નમ્રતાનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં પછાત અને જરૂરિયાતમંદ મહિલાઓને, ખાસ કરીને ગર્ભપાત માટે ક્લિનિકમાં આવતી મહિલાઓને નિશાન બનાવવામાં આવતી હતી. આ મહિલાઓને પૈસા અને અન્ય વસ્તુઓની લાલચ આપીને ગર્ભ રાખવા માટે સમજાવવામાં આવતી હતી, અને પછી તેમના નવજાત બાળકોને સરોગસી માટે ક્લિનિકમાં આવેલા યુગલોને સોંપવામાં આવતા હતા.
મળતી માહિતી અનુસાર હૈદરાબાદના ઉત્તર ઝોનના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP ) એસ. રશ્મિ પેરુમલે જણાવ્યું હતું કે, ક્લિનિક દ્વારા લોકોને એવો વિશ્વાસ આપવામાં આવતો હતો કે, તે બાળકો તેમના જૈવિક બાળકો છે, જ્યારે વાસ્તવમાં એવું નહોતું. તે મોટા પાયે સરોગસી અને બાળક વેચવાનું કૌભાંડ હતું.
ફરિયાદી દંપતી મૂળ રાજસ્થાનના છે અને હાલમાં સિકંદરાબાદમાં રહે છે. તેઓએ ઓગસ્ટ ૨૦૨૪ માં ફર્ટિલિટી અને IVF સલાહ માટે યુનિવર્સલ સૃષ્ટિ ફર્ટિલિટી સેન્ટરનો સંપર્ક કર્યો હતો. દંપતીના જણાવ્યા અનુસાર, ડૉ. નમ્રતાએ તેમના ફર્ટિલિટી ટેસ્ટ કરાવ્યા હતા અને તેમને સરોગસી પસંદ કરવાની સલાહ આપી હતી. DCP રશ્મિ પેરુમલે જણાવ્યું હતું કે, દંપતીને વિશાખાપટ્ટનમમાં ક્લિનિકની બીજી શાખામાં નમૂનાઓ (સ્પર્મ અને એગ્સ) સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ક્લિનિકે દાવો કર્યો હતો કે, તેઓ સરોગેટ માતાની વ્યવસ્થા કરશે અને દંપતીનો ગર્ભ તેનામાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે.
નવ મહિના દરમિયાન, દંપતીએ ક્લિનિકને અલગ અલગ સમય કુલ ૩૫ લાખથી વધુ રૂપિયા આપ્યા હતા. જૂન ૨૦૨૫ માં, દંપતીને જાણ કરવામાં આવી હતી કે, વિશાખાપટ્ટનમમાં સરોગેટ માતાએ સિઝેરિયન ડિલિવરી દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. તેમને ડિલિવરી ચાર્જ તરીકે વધારાના રૂ. ૨ લાખ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. બાળકને નકલી જન્મ પ્રમાણપત્ર સાથે દંપતીને સોંપવામાં આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ બાળક તેમનું જૈવિક બાળક છે.
બાળકનું વર્તન જોઈને દંપતીને શંકા ગઈ અને DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ક્લિનિકે DNA ટેસ્ટમાં વિલંબ કર્યો અને કોઈ દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે દંપતીએ દિલ્હીમાં પ્રાઈવેટ DNA ટેસ્ટ કરાવ્યો, ત્યારે તેના પરિણામથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાળક તેમની સાથે જૈવિક રીતે સંબંધિત નહોતું. જ્યારે તેઓએ ક્લિનિક પાસેથી જવાબ માંગ્યો, ત્યારે ડૉ. નમ્રતાએ પોતાની ભૂલ સ્વીકારી, પરંતુ પછીથી તે ગાયબ થઈ ગઈ અને ક્લિનિકે તેમને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. આથી પરેશાન થઈને, દંપતીએ ગોપાલપુરમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગોપાલપુરમ પોલીસ સ્ટેશન, ઉત્તર ઝોન પોલીસ અને તબીબી અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ સાથે સૃષ્ટિ ફર્ટિલિટી સેન્ટર પર દરોડો પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, ડૉ. નમ્રતા વિજયવાડા, સિકંદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કોંડાપુરમાં ફર્ટિલિટી સેન્ટર ચલાવી રહી હતી. તે દરેક ગ્રાહક પાસેથી ૨૦ થી ૩૦ લાખ રૂપિયા લેતી હતી અને ખોટા વચનો આપીને સરોગસીના નામે નવજાત શિશુઓ વેચતી હતી.
પોલીસે શોધી કાઢ્યું કે, ૨૦૨૧ માં સેન્ટરનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું, પરંતુ ડૉ. નમ્રતાએ અન્ય પ્રમાણિત ડૉક્ટર, સુરી શ્રીમતીનું નામ વાપરીને ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. દરોડા દરમિયાન, પોલીસે તબીબી સાધનો, દવાઓ, મોબાઇલ ફોન, ડિજિટલ ઉપકરણો, કેસ રેકોર્ડ અને સરોગસી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આ રેકેટ ઇન્ડિયન સ્પર્મ ટેક નામની લાઇસન્સ વિનાની કંપની સાથે મળીને કાર્યરત હતું, જે ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સ્પર્મ અને એગ્સ ગેરકાયદેસર રીતે દાણચોરી કરતી હતી. પોલીસે ઇન્ડિયન સ્પર્મ ટેકના પ્રાદેશિક મેનેજર પંકજ સોની અને છ અન્ય વ્યક્તિઓ સંપત, શ્રીનુ, જીતેન્દ્ર, શિવ, મણિકાંત અને બોરોની પણ ધરપકડ કરી હતી. બાળકના જૈવિક માતાપિતા, મોહમ્મદ અલી આદિલ અને નસરીન બેગમ, બંને આસામના હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને બાળકના બદલામાં ૯૦ હજાર જેટલી નજીવી રકમ ચૂકવવામાં આવી હતી. બાળ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ બાળકને શિશુ વિહાર સોંપવામાં આવ્યું હતું.
ધરપકડ કરાયેલા અન્ય લોકોમાં ડૉ. નમ્રતાના પુત્ર પચીપાલા જયંત કૃષ્ણ (૨૫), એક વકીલ જે તેના નાણાકીય બાબતોનું સંચાલન કરતા હતા, વિશાખાપટ્ટનમ શાખાના મેનેજર સી. કલ્યાણી અચાયમ્મા (૪૦), લેબ ટેકનિશિયન અને ગર્ભવિજ્ઞાની જી. ચેન્ના રાવ (૩૭), અને ગાંધી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ એન. સદાનંદમ (૪૧), શામેલ છે.