Last Updated on by Sampurna Samachar
સમગ્ર મામલે અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
અમરેલીમાં ગે ડેટિંગ એપથી હનીટ્રેપનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી શહેરમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી હનીટ્રેપ અને લૂંટ ચલાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાબરા તાલુકાના એક યુવકને ગે ડેટિંગ એપ્લિકેશન મારફતે જાળમાં ફસાવી, ર્નિવસ્ત્ર કરી વીડિયો બનાવ્યા બાદ છરીની અણીએ લૂંટ ચલાવનાર ૬ આરોપીઓને અમરેલી પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, ૨૪ મે ૨૦૨૬ ની રાત્રે બાબરા તાલુકામાં રહેતા અજયભાઈ પોતાના ટ્રક સાથે અમરેલી તરફ આવી રહ્યા હતા. લાઠી બાયપાસ ચોકડી નજીક ચા-પાણી માટે રોકાયા દરમિયાન તેઓ મોબાઈલમાં સોશિયલ મીડિયા જોઈ રહ્યા હતા. આ દરમિયાન ગે ડેટિંગ એપ્લિકેશન પર ભૂલથી ક્લિક થઈ ગયું હતું.
પોલીસે ગણતરીના કલાકોમાં તમામ ૬ આરોપીઓને ઝડપી લીધા
થોડીવાર પછી ‘જાન’ નામના આઈડી પરથી તેમને મળવા માટે મેસેજ આવ્યો હતો. બાદમાં અજયભાઈ જ્યારે પરત બાબરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બે શખ્સોએ પોતાનું એક્ટિવા આડું રાખીને ટ્રક રોક્યો હતો.
આરોપીઓએ અજયભાઈને બળજબરીપૂર્વક એક્ટિવા પર બેસાડી રેલવે પાટા નજીક આવેલા એક પુલિયા પાસે લઈ ગયા હતા. ત્યાં બીજા ચાર સાગરીતો પણ આવી પહોંચ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ યુવક સાથે મારામારી કરી, છરી બતાવી ધમકાવ્યો અને તેમના કપડાં ઉતરાવી દીધા હતા. ત્યારબાદ મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને યુવકનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવક પાસેથી રોકડ રકમ છીનવી લીધી હતી. ઉપરાંત વધુ પૈસા પડાવવા માટે યુવકને તેમના શેઠને ફોન કરાવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ યુવકના ઓળખીતાને સારવાર માટે તાત્કાલિક નાણાંની જરૂર હોવાનું બહાનું કરાવી ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવ્યું હતું.
આરોપીઓએ યુવકને બીજા દિવસે વધુ રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. દરમિયાન રસ્તા પરથી કોઈ વાહન પસાર થતું સાંભળતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.પછી ભોગ બનનાર યુવકે સમગ્ર મામલે પોતાના ઓળખીતાને જાણ કરી અને બાદમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી પોલીસે ગુનો નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમે ગણતરીના કલાકોમાં તમામ ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે લોકો ખાસ કરીને યુવાનોને આવી શંકાસ્પદ ઓનલાઈન એપ્લિકેશનો અને અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે.