Last Updated on by Sampurna Samachar
Whattapp એ ભારતમાં ૯,૪૦૦ એકાઉન્ટ્સ કર્યા બેન
વ્હોટ્સએપે જાન્યુઆરી ૨૦૨૬થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ ૯૪૦૦ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ‘ના કૌભાંડોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સરકારી એજન્સીઓ અત્યારે એક્શન મોડમાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે સાયબર ગુનાઓને રોકવા માટે ટેલિકોમ વિભાગ, આરબીઆઈ, સીબીઆઈ અને મોટી ટેક કંપનીઓ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવી રહી છે.

આ કડક કાર્યવાહીના પરિણામે, વ્હોટ્સએપે જાન્યુઆરી ૨૦૨૬થી અત્યાર સુધીમાં છેતરપિંડીમાં સંડોવાયેલા લગભગ ૯૪૦૦ જેટલા શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે, જેથી સામાન્ય નાગરિકોને આવી ઓનલાઈન ઠગાઈથી બચાવી શકાય.
અલગ-અલગ સ્તરે સતત નજર રાખવામાં આવી
ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ સેન્ટરએ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું છે કે દેશમાં સાયબર છેતરપિંડી રોકવા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલે પોતે જ નોંધ લીધી હતી અને આરબીઆઈ જેવી સંસ્થાઓને આદેશ આપ્યો હતો કે જે લોકો ‘ડિજિટલ અરેસ્ટ‘ જેવી ઠગાઈનો ભોગ બન્યા હોય, તેમને વળતર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. રિપોર્ટ મુજબ, ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને પકડવા માટે અત્યારે અલગ-અલગ સ્તરે સતત નજર રાખવામાં આવી રહી છે.
વ્હોટ્સએપ દ્વારા સાયબર ગુનેગારો વિરુદ્ધ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર એજન્સી આઈટી મંત્રાલયના એલર્ટ બાદ, કંપનીએ સૌથી પહેલા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી અને ત્યારબાદ આખા નેટવર્કની તપાસ કરી હતી.
આ કડક તપાસના કારણે છેલ્લા ૧૨ અઠવાડિયામાં જ ૯૪૦૦ જેટલા એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. સરકારે આ પગલાને સાયબર ગુનાઓ સામે મોટી જીત ગણાવી છે અને લોકોને ખાતરી આપી છે કે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આગામી સમયમાં પણ આ રીતે કડક દેખરેખ અને કાર્યવાહી ચાલુ રહેશે.