Last Updated on by Sampurna Samachar
વાપીની એડિશનલ સેશન્સ કોર્ટનો ચૂકાદો
પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાપી વિસ્તારમાં રહેતી એક કિશોરીને લસ્સીમાં માદક પદાર્થ પીવડાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યાની વર્ષ ૨૦૨૧માં ઘટના બની હતી. જેમાં ફોટાથી બ્લેકમેલિંગ કરીને વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અંતે આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાયા હતા. આ ગંભીર કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે ભોગ બનનાર પીડિતાને રૂપિયા ૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

કેસની વિગત પર નજર કરીએ તો વર્ષ ૨૦૨૧માં વાપી વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવારની પાડોશમાં રહેતો રાજકુમાર સિંગ આ પરિવારના ઘરે પહોંચ્યો હતો. તે સમયે કિશોરી ઘરે એકલી હોવાથી તેણે તેની લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી દેતાં તે બેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવીને રાજકુમારે તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને તેણીના નગ્ન ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા.
ત્યારબાદ, રાજકુમારે આ વીડિયો અને ફોટા બતાવીને તેને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમારે ૨ વર્ષના સમયગાળા દરમિયાન કિશોરીને ડરાવી-ધમકાવીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, અંતે રાજકુમારે કિશોરીના નગ્ન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કરી દીધા હતા.
પિડીતાને ચાર લાખનુ વળતર આપવા આદેશ
આ ત્રાસથી કંટાળીને આખરે કિશોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી રાજકુમારની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલએ ભોગ બનનાર પીડિતા, તેના પરિવારજનો અને અન્ય સાક્ષીઓના નિવેદનો તેમજ મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવાઓ રજૂ કર્યા હતા.
કેસના તમામ પાસાઓની સુનાવણી બાદ કોર્ટે આરોપી રાજકુમારને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સાથે જ ભોગ બનનાર પીડિતાને ‘ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ‘ હેઠળ રૂપિયા ૪ લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.