Last Updated on by Sampurna Samachar
દર્દીના સગા પર સિંલિગ પંખો પડતા મહિલા લોહીલુહાણ
હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરના મહુવા શહેરની સરકારી જનરલ હોસ્પિટલમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીના સગા પર ચાલુ હાલતમાં સીલિંગ પંખો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર મહુવા સરકારી હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં શબાનાબેન શેખ નામના મહિલા હાજર હતા. ત્યારે અચાનક છત પરનો ચાલુ પંખો તૂટીને તેમના પર પડ્યો હતો. પંખો સીધો માથા અને આંખના ભાગે વાગતા શબાનાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ટાંકા લેવા પડ્યા હતા અને અત્યારે તેમને આંખે જોવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.
હોસ્પિટલ બિલ્ડિંગના રિનોવેશનના એક વર્ષમાં આવી હાલત
આ ઘટના સમયે પંખાની નીચે જ માસૂમ બાળક પણ હાજર હતું, પરંતુ નસીબજોગ તેનો આબાદ બચાવ થયો છે. જો આ પંખો બાળક પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકત. આશ્ચર્યની વાત એ છે કે, હોસ્પિટલ બિલ્ડિંગનું રિનોવેશન થયાને હજુ માંડ એક વર્ષ જેટલો સમય થયો છે. માત્ર એક વર્ષમાં પંખો કેવી રીતે તૂટી શકે? તે બાબત ભ્રષ્ટાચાર કે નબળી કામગીરી તરફ આંગળી ચીંધે છે.