Last Updated on by Sampurna Samachar
ભીટોડી નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
એક વૃદ્ધનું મોત તો અન્ય ૭ સભ્યો ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ શહેરનો એક પરિવાર ઉજ્જૈન દર્શનાર્થે ગયો હતો. જ્યાં પરિવારને ઇન્દોર-અમદાવાદ હાઈવે પર ભીટોડી ગામ નજીક અકસ્માત નડ્યો હતો. આ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ૭ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદનો એક પરિવાર કારમાં ઉજ્જૈન ખાતે મહાકાલના દર્શન કરવા ગયો હતો. હાઈવે પર આગળ ચાલી રહેલી ટ્રકની પાછળ અર્ટિગા કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.
સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો
આ કારમાં કુલ ૮ લોકો સવાર હતા. અકસ્માતમાં કારમાં સવાર ૬૫ વર્ષીય વૃદ્ધનુ ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ૭ લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.