Last Updated on by Sampurna Samachar
સુરતના પરિવારને સાપુતારા નડ્યો અકસ્માત
બાળકો સહિત કુલ ૭ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના જાણીતા હિલ સ્ટેશન સાપુતારા ખાતે ટેબલ પોઇન્ટ‘ ના ખતરનાક ઘાટ પર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ ‘ટેબલ પોઇન્ટ‘ ના ખતરનાક ઘાટ પર એક કાર ચઢાણ ન ચઢી શકવાના કારણે રિવર્સ આવીને પલ્ટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બાળકો સહિત કુલ ૭ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને તમામનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, રજાઓની મજા માણવા ગયેલા સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો હતો. પરિવાર કાર લઈને સાપુતારા આવ્યો હતો. આ પ્રવાસીઓ જ્યારે સાપુતારાના ટેબલ પોઇન્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ઘાટ ચઢતી વખતે અચાનક કાર ચઢી શકી નહોતી અને પાછળની તરફ એટલે કે રિવર્સ આવવા લાગી હતી.
પ્રવાસન સ્થળો પર વાહન ચાલકોને તકેદારી રાખવા અપીલ
ઘાટ પર કાર અચાનક રિવર્સ આવવાને કારણે ચાલક ગભરાઈ ગયો હતો અને તેણે કાર પરથી પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેકાબૂ બનેલી કાર પળવારમાં જ રસ્તા પર પલ્ટી મારી ગઈ હતી. કાર પલ્ટી મારતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના સ્થાનિક લોકો તેમજ અન્ય પ્રવાસીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર તમામ ૭ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં બે નાના બાળકો પણ સામેલ છે. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્ર‘ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે પ્રવાસન સ્થળો પર વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.