Last Updated on by Sampurna Samachar
બસની બ્રેક ફેલ થવાને કારણે દુર્ઘટના થઈ હોવાનાં અહેવાલ
એક જ પરિવારના પાંચ સભ્યોનાં કમકમાટીભર્યાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના મેંગલોર શહેરમાં ભયાનક અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી. અહીં કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની બ્રેક ફેલ થતાં તે બસ સ્ટેનમાં ઘૂસી ગઈ છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટનામાં બસ સ્ટેન્ડમાં રાહ જોઈ રહેલા ચાર લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોમાં એક જ પરિવારના ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક બાળક પણ આ અકસ્માતનો ભોગ બન્યું અને તેણે પણ જીવ ગુમાવ્યો.
બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થશે
મળતી માહિતી મુજબ, કેટલાક મૃતકો બસ સ્ટેન્ડ પાસે એક ઓટો રિક્ષામાં બેઠા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય સાત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ મુજબ, આ દુર્ઘટના બસની બ્રેક ફેલ થવાને કારણે થઈ હોવાનું મનાય છે. બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે સીધી બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે, અને પોલીસ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે બેદરકારી બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.