Last Updated on by Sampurna Samachar
વૈભવ સૂર્યવંશી કરતા ઝડપી સદી ફટકારી
અભિષેકે માત્ર ૩૩ બોલમાં સદી ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫માં આ વખતે ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ કમાલ કરી દીધી હતી. જેણે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને તહેલકો મચાવી દીધો હતો. ચાહકો હજુ વૈભવની આ સદી ભૂલી શક્યા ન હતા કે મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ ૨૦૨૫ માં અભિષેક પાઠકે ફરી એકવાર માત્ર ૩૩ બોલમાં સદી ફટકારીને T૨૦ ક્રિકેટમાં હંગામો મચાવ્યો છે.
આ વિસ્ફોટક સદીની ઇનિંગમાં અભિષેકે વૈભવ કરતા વધુ છગ્ગા ફટકાર્યા. આજકાલ ભારતમાં મધ્યપ્રદેશ લીગ રમાઈ રહી છે. જેમાં યુવા ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યા છે. આ લીગમાં રમાયેલી બુંદેલખંડ બુલ્સ અને જબલપુર રોયલ લાયન્સ મેચમાં અભિષેક પાઠકની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી.
બુંદેલખંડ બુલ્સ માટે બેટિંગ કરતા અભિષેકે માત્ર ૩૩ બોલમાં સદી ફટકારીને T૨૦ ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી. આ મેચમાં તેણે ૪૮ બોલમાં ૧૩૩ રનની ઇનિંગ રમી જેમાં ૧૫ સિક્સર અને ૭ ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પણ પાછળ છોડી દીધો છે, જેણે IPL ૨૦૨૫માં ૩૫ બોલમાં સદી ફટકારી હતી. જેમાં ૧૧ સિક્સરનો સમાવેશ થાય છે.
બુંદેલખંડ બુલ્સે ૧૯ રનથી જીતી લીધી મેચ
MPL ૨૦૨૫ની ૧૮મી મેચમાં બુંદેલખંડ બુલ્સ અને જબલપુર રોયલ લાયન્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, બુંદેલખંડે ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૪૬ રન બનાવ્યા. જેમાં અભિષેક પાઠકના ૧૩૩, કરણના ૪૫ અને ગૌતમ જાેશીના ૨૪ રનનો સમાવેશ થાય છે. જબલપુર રોયલ લાયન્સ તરફથી બોલિંગ કરતી વખતે પંકજ પટેલે ૪ ઓવરમાં ૩૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
આ પછી જબલપુર રોયલ લાયન્સ ટીમ ૧૯.૧ ઓવરમાં ૨૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જબલપુર રોયલ લાયન્સ ટીમના બેટ્સમેનોએ પણ સારી બેટિંગ કરી પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. જબલપુર તરફથી બેટિંગ કરતી વખતે, ઋતિક ટાડાએ ૩૦ બોલમાં સૌથી વધુ ૭૫ રનની ઇનિંગ રમી. જેમાં તેણે ૫ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત, અભિષેક ભંડારીએ ૩૩, સિદ્ધાર્થે ૨૫ અને રિતેશએ ૨૨ રન બનાવ્યા. બુંદેલખંડ બુલ્સ તરફથી બોલિંગ કરતી વખતે, ઓમકાર નાથ સિંહે ૪ ઓવરમાં ૩૭ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી.