Last Updated on by Sampurna Samachar
બોગસ દસ્તાવેજોની મદદથી નવી ઓળખ બનાવી
ખોટી ઓળખ મેળવવા દલાલની લીધી હતી મદદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ખોટા દસ્તાવેજોના આધારે ઓળખ છુપાવી રહેતા એક શખસનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન મળેલી શંકાસ્પદ માહિતીના આધારે યોગેન્દ્ર રામકુમાર મૌર્ય નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અયોધ્યાનો રહેવાસી યોગેન્દ્ર મૌર્યએ પોતાનું નામ બદલીને ‘અબ્દુલ રહેમાન અબ્દુલ કરીમ ખાન’ રાખ્યું હતું અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે બોગસ દસ્તાવેજોની મદદથી નવી ઓળખ ઊભી કરી હતી.
નિકાહ કરવા ઓળખ બદલ્યાની માહિતી
મળતી માહિતી મુજબ યોગેન્દ્રને દિલ્હી ખાતે રહેતા સમયે ખુશનુમા બાનુ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. અલગ ધર્મના હોવાના કારણે પરિવારની સંમતિ ન મળતાં બંનેએ લગ્ન કર્યા હતા. બાદમાં યોગેન્દ્રએ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ નિકાહ કરવા માટે પોતાનું નામ બદલ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, બદલાયેલી ઓળખને સરકારી દસ્તાવેજોમાં દર્શાવવા માટે તેણે એક દલાલની મદદ લીધી હતી. દલાલ મારફતે તેણે નવા નામના આધારે ખોટા ઓળખ પુરાવા તૈયાર કરાવ્યા હતા. આ દસ્તાવેજોના આધારે તે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.પાસપોર્ટ કચેરીમાં વેરિફિકેશન દરમિયાન જૂના અને નવા દસ્તાવેજોમાં માતા-પિતાના નામમાં તફાવત જોવા મળતાં અધિકારીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ મામલો SOG સુધી પહોંચ્યો હતો અને તપાસમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
પોલીસે આરોપી વિરુદ્ધ ખોટા દસ્તાવેજો બનાવવા અને ઓળખ છુપાવવાના મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ બોગસ દસ્તાવેજો બનાવી આપનાર દલાલને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે