Last Updated on by Sampurna Samachar
ઉધના પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના ઉધના વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉધના રોડ નંબર ૧૦ પર સવારના સમયે શાંતિથી ચા પીવા બેઠેલા ૨૮ વર્ષીય યુવાનને કાળરૂપી વાહને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ રહેમતભાઈ સવારના સમયે ઉધના રોડ નંબર ૧૦ પર રસ્તાના કિનારે બેસીને ચા પી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રહેમતભાઈને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પિતાની છત્રછાયા ગુમાવતા બાળકો નોંધારા બન્યા
ઘટના બાદ આસપાસના લોકોએ લોહીલુહાણ હાલતમાં રહેમતભાઈને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. રહેમતભાઈના અકાળે અવસાનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવાનના પરિવારમાં પત્ની, ત્રણ માસૂમ બાળકો, માતા-પિતા અને એક બહેન છે.