Last Updated on by Sampurna Samachar
બસના મુસાફરો અને સ્ટાફની અફરા તફરી સર્જાઇ હતી
ડ્રાઇવરે બસ હોસ્પિટલ પહોંચાડી પણ યુવક બચી ન શક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળે છે. ત્યારે આવો કિસ્સા મહીસાગર જિલ્લામાંથી આવ્યો છે. જ્યાં ચાલુ બસમાં યુવકને હાર્ટ એટેક આવતાં મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, જંબુસરથી ઉપડીને કડાણા ડેમ તરફ જઈ રહેલી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ પોતાના નિયત રૂટ પર દોડી રહી હતી. બસ જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથક નજીક પહોંચી ત્યારે તેમાં સવાર એક મુસાફરને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને તે પોતાની સીટ પરથી નીચે ઢળી પડ્યો હતો.
ST ના ડ્રાઇવરના અથાગ પ્રયાસની લોકોએ પ્રશંસા કરી
ચાલુ ગાડીએ મુસાફર બેભાન થઈ જતાં બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી. કંડક્ટરે તાત્કાલિક આ અંગે ડ્રાઇવરને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતા અને કટોકટી સમજીને એસ.ટી. બસના ડ્રાઇવરે જરાપણ સમય બગાડ્યા વિના કે ૧૦૮ એમ્બ્યુલન્સની વાટ જોયા વિના, માનવતાના ધોરણે આખી પેસેન્જર બસને હાઈવે પરથી સીધી લુણાવાડા શહેરની સરકારી સિવિલ હોસ્પિટલ તરફ વાળી દીધી હતી અને નોન-સ્ટોપ દોડાવી મૂકી હતી.
ડ્રાઇવરે બસને સીધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લાવીને ઉભી રાખી હતી અને એસ.ટી. સ્ટાફ તેમજ સાથી મુસાફરોની મદદથી દર્દીને તુરંત જ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને જ જણાવ્યું હતું કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ મુસાફરનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ દુ:ખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં આભ ફાટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લુણાવાડા સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાગળિયા કાર્યવાહી હાથ ધરી છે. ભલે પ્રવાસીનો જીવ ન બચ્યો, પણ મુસાફરનો જીવ બચાવવા માટે એસ.ટી. બસના ડ્રાઇવરે કરેલા અથાગ પ્રયાસની હોસ્પિટલ સ્ટાફ અને લોકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.