Last Updated on by Sampurna Samachar
અધિકારીઓ અને ગ્રામજનોમાં અફરાતફરી મચી હતી
પોલીસ અને વહીવટી ટીમે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના જસદણ તાલુકાના વડોદ ગામે ડિમોલેશનની કામગીરી દરમિયાન ભારે હંગામો થયો હતો. વાત કરીએ તો વડોદ ગામે સરકારી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ એક સ્થાનિક યુવકે ફીનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવી દીધી હતી.

મળતી વિગતો મુજબ, જસદણના વડોદ ગામે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મામલતદાર, ટીડીઓ અને પોલીસ કાફલા સહિતની સંયુક્ત ટીમ પૂરતા બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ તૈનાત હતી. જોકે, દબાણ હટાવવાની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
વડોદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો
તંત્ર દ્વારા કોઈ સમજૂતી થાય કે કોઈ વચગાળાનો રસ્તો નીકળે તે પહેલા જ એક સ્થાનિક યુવકે ઉશ્કેરાઈને અથવા આઘાતમાં આવીને તંત્રની સામે જ ફીનાઇલ ગટગટાવી લીધું હતું. યુવકે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા જ સ્થળ પર હાજર અધિકારીઓ અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને હોબાળો થઈ ગયો હતો.આ ઘટના બનતા જ પોલીસ અને વહીવટી ટીમે તાત્કાલિક ધોરણે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરી દીધી હતી.
ફીનાઇલ પી જનાર યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે વડોદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.