Last Updated on by Sampurna Samachar
મૃતકના પરિવારજનોએ ફેકટરી માલિક પર લગાવ્યા આક્ષેપ
કંપનીમાં કામકાજ દરમિયાન સર્જાઇ દુર્ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિંમતનગર GIDC વિસ્તારમાં આવેલી પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. કંપનીમાં કામકાજ દરમિયાન અચાનક માલવાહક લિફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં લિફ્ટ નીચે દબાઈ જવાથી ત્યાં ફરજ બજાવતા એક આશાસ્પદ શ્રમિક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક યુવકની ઓળખ દેવરાજસિંહ પરમાર તરીકે થઈ છે. અકસ્માતની આ આખી ઘટના ફેક્ટરીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લિફ્ટ કયા યાંત્રિક કારણોસર તૂટી પડી તેની તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે અકસ્માત બાદ જવાબદાર ફેક્ટરી માલિકો સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી, વાયરલ CCTV ફૂટેજ કબજે કરીને કંપનીમાં સુરક્ષાના નિયમોની બેદરકારી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.