Last Updated on by Sampurna Samachar
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
યુવતી પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી લવ જેહાદની એક ચોંકાવનારી અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એક વિધર્મી યુવકે પોતાની સાચી ઓળખ છુપાવી, હિન્દુ હોવાનું જણાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં, યુવતી ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવી લાખો રૂપિયાની પડાવબાજી પણ કરી હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ વેસુ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતીએ રાજકોટના સોમીલ સલમીનભાઈ મકવાણા નામના યુવક સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતી સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપી હતી અને પ્રેમની જાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી સતત શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.
વેસુ પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને યુવતી પર દબાણ લાવી તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આટલું ઓછું હોય તેમ, આરોપીએ અલગ-અલગ બહાને યુવતી પાસેથી કુલ ૩.૩૫ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા.
પોતાની સાથે ધર્મ છુપાવીને આચરાયેલી આ મહાછેતરપિંડી અને શારીરિક-માનસિક શોષણ અંગે આખરે યુવતીએ હિંમત ભેગી કરી સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી સોમીલ ઉર્ફે સલમીન સામે દુષ્કર્મ, છેતરપિંડી અને ગર્ભપાત કરાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેસુ પોલીસે આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી રાજકોટ સહિતના સ્થળોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.