Last Updated on by Sampurna Samachar
વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આ શ્રેષ્ઠ અવસર
પૃથ્વી પર ગ્રહણનો કુલ સમયગાળો ૫ કલાક ૩૯ મિનિટનો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી ૩ માર્ચ મંગળવારના રોજ અવકાશમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળવાનુ છે. આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ ત્રણ સ્વરૂપે નિહાળવા મળશે.

ભારતીય સમય અનુસાર ગ્રહણની પ્રક્રિયા બપોરથી શરૂ થઈ રાત્રિ સુધી ચાલશે. પૃથ્વી પર ગ્રહણનો કુલ સમયગાળો ૫ કલાક ૩૯ મિનિટનો રહેશે, જેમાં ૫૮ મિનિટ સુધી ગ્રહણમાં સ્થિરતા જોવા મળશે.
ગ્રહણ સ્પર્શ: ૧૪:૧૪:૨૫ કલાકે
ગ્રહણ સંમીલન: ૧૬:૩૪:૩૪ કલાકે
ગ્રહણ મધ્ય: ૧૭:૦૩:૪૬ કલાકે
ગ્રહણ ઉન્મીલન: ૧૮:૪૭:૧૫ કલાકે
ગ્રહણ મોક્ષ: ૧૯:૫૩:૦૬ કલાકે
પરમ ગ્રાસ: ૧.૧૫૫
ભારતના ભૌગોલિક સ્થાન મુજબ ગ્રહણના વિવિધ રૂપો જોવા મળશે
ખગ્રાસ: અંદામાન-નિકોબાર, અરૂણાચલ પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના પૂર્વીય રાજ્યોમાં ખગ્રાસ એટલે કે સપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.
ખંડગ્રાસ: દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખંડગ્રાસ એટલે કે આશિંક જોવા મળશે.
છાયા ગ્રહણ: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છાયા ગ્રહણ જોવા મળશે, જ્યારે દાહોદના અમુક ભાગોમાં આંશિક અસર દેખાશે.
વિજ્ઞાન જાથાનો અભિગમ: આ માત્ર ભૂમિતિની રમત છે
ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેને જણાવ્યું છે કે, ગ્રહણ એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના પરિભ્રમણના કારણે સર્જાતી એક શુદ્ધ ભૌમિતિક ઘટના છે. ચંદ્ર કે સૂર્યગ્રહણની માનવજીવન ઉપર લેશમાત્ર અસર થતી નથી. ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે.
જ્યારે જ્યોતિષીઓ ફળકથનોમાં વ્યસ્ત હશે, ત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો આ ઘટનાનો ઉપયોગ માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરશે. ખગોળપ્રેમીઓ આ નજારાને નરી આંખે અથવા ટેલિસ્કોપ દ્વારા નિહાળી શકશે. આ ઘટનાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે પણ આ એક શ્રેષ્ઠ અવસર સાબિત થશે.