સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનથી ૩ દર્દીઓને મળ્યું નવજીવન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ઐતિહાસિક રેકોર્ડ

૩૧ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે ગુપ્ત અંગદાન કર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતની ૩૧ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે ગુપ્ત અંગદાન કરીને એક લીવર અને બે કિડનીનું દાન કર્યું છે. જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કુલ અંગ-પેશી દાનનો આંકડો ૧૦૩૫ને પાર પહોંચ્યો છે. જે ઐતિહાસિક આંકડો છે.

“કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.” અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના અત્યંત દુ:ખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી ર્નિણય લીધો છે.

સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પથરાઇ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઉમદા ર્નિણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૪૧ પર પહોંચી ગયો છે, જ્યારે કુલ અંગ-પેશી દાનનો ઐતિહાસિક આંકડો ૧૦૩૫ને પાર થઈ ગયો છે.

ઉત્તર ગુજરાતના રહેવાસી એક ૩૧ વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. ૨૭ મે ૨૦૨૬ના રોજ તેમને ‘બ્રેઈનડેડ‘ જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુ:ખ હોવા છતાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું અને પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૂપે અંગદાનની મંજૂરી આપી હતી.

આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ ૩ મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જાેતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૧ અંગદાતાઓ થકી ૭૯૭ અંગો તેમજ કુલ ૨૩૮ પેશીઓ મેળવવામાં સફળતા મળી છે. જેમાં ૪૪૫ કિડની, ૨૧૫ લીવર, ૭૬ હૃદય, ૩૪ ફેફસાં, ૧૯ સ્વાદુપિંડ, ૦૬ હાથ, ૦૨ નાનાં આંતરડાં, ૧૯૪ ચક્ષુ તેમજ ૪૪ ચામડીનો સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ કરવામાં આવી છે કે, અંગદાન એ મહાદાન છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અને અંગદાતાઓના પરિવારોના સહયોગથી આજે આપણે ૧,૦૩૫ અંગો-પેશીઓ મેળવીને સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પાથરી શક્યા છીએ. આ ઉમદા કાર્ય બદલ અમે તમામ દાતા પરિવારોના સદાય ઋણી રહીશું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.