Last Updated on by Sampurna Samachar
પોતાના નિવાસ્થાનના ચોથા માળેથી ઝંપલાવ્યું
આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ૨૦ વર્ષીય યુવતીએ પોતાના નિવાસ્થાનના ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, મકરપુરા વિસ્તારમાં આવેલી હવેલી રેસકોમ એપાર્ટમેન્ટમાં ૨૦ વર્ષીય ભૂમિબેન ભદાણી પોતાના પરિવાર સાથે રહેતી હતી. યુવતીએ અચાનક પોતાના ફ્લેટના ચોથા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.
પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી
જોરદાર અવાજ આવતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને જોઈ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ, ભૂમિએ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલ તે ઘરે જ રહેતી હતી. આ યુવતીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.