Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાની પોલીસ દ્વારા કરાયો ગોળીબાર
વિવિધ માંગણીઓને લઈને સ્થાનિક લોકો કરી રહ્યા હતા વિરોધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના રાવલકોટમાં સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. પાકિસ્તાની પોલીસ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાનો દાવો પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

રાવલકોટમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળીબાર શરૂ કરી દીધો હતો.
નાગરિકોની સાથે કેટલાક સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યા
જોઇન્ટ આવામી એક્શન કમિટીના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય અહેવાલોમાં મૃત્યુઆંક આનાથી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. કમિટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ મૃતકોમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઇબ્રાહિમ, અરસલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાબિત શાહ અને સાબિર ખાન સામેલ છે.
POK માં જૂન મહિનાની શરૂઆતથી જ મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ધરણાં, રેલીઓ અને જાહેર વાહનવ્યવહાર તેમજ દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
આ આંદોલન શરૂ થયું ત્યારથી જ પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તેમજ અર્ધસૈનિક દળો વચ્ચે અવારનવાર હિંસક ઝઘડા થઈ રહ્યા છે, જેમાં સામાન્ય નાગરિકોની સાથે કેટલાક સુરક્ષાકર્મીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
સ્થાનિક નાગરિકો અને સંગઠનો પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. તેમની મુખ્ય માગણીઓમાં સ્થાનિક વિધાનસભામાં ૧૨ અનામત બેઠકોની વ્યવસ્થા નાબૂદ કરવી, સ્થાનિક લોકોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવું, ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોને તાત્કાલિક મુક્ત કરવા તેમજ વીજળીના દરો અને અન્ય આર્થિક મુદ્દાઓમાં સુધારો કરીને બહેતર શાસન વ્યવસ્થા પૂરી પાડવાનો સમાવેશ થાય છે.