Last Updated on by Sampurna Samachar
મૂળ પંજાબના ગુરપ્રીત સિંહનું નામે વૉરન્ટ ઈશ્યૂ
સમય જતાં આ જૂથે આંતરરાષ્ટ્રીય સ્તરે પગપેસારો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાની અગ્રણી તપાસ એજન્સી FBI એ વધુ એક ભારતીય નાગરિકને પોતાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો છે. મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આ આરોપીનું નામ ગુરપ્રીત સિંહ છે. FBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરપ્રીત સિંહ પંજાબના કુખ્યાત ગેંગસ્ટર અને ડ્રગ માફિયા જગ્ગુ ભગવાનપુરિયાના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કનો સક્રિય સભ્ય છે.

જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના વૈશ્વિક નેટવર્કને સંપૂર્ણપણે પરાસ્ત કરવા માટે FBI દ્વારા ઓપરેશન હાર્ડ બૉલ ચલાવવામાં આવ્યું હતું. આ વિશેષ મિશન હેઠળ અમેરિકા, યુરોપ અને કેનેડામાં ફેલાયેલા આ ગેંગના ઠેકાણાઓ તેમજ ડ્રગ્સ અને હથિયારોના તસ્કરી નેટવર્ક પર મોટો સિકંજો કસવામાં આવ્યો છે.
ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કાળો કારોબાર
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, જગ્ગુ ભગવાનપુરિયા સંગઠિત ગુનાહિત જૂથની શરૂઆત મૂળ ભારતના પંજાબથી થઈ હતી. પરંતુ સમય જતાં આ જૂથે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના પગપેસારો કર્યો હતો. હાલમાં આ નેટવર્ક અમેરિકાના કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કાળો કારોબાર ચલાવી રહ્યું હતું.
ગુરપ્રીત સિંહ પર સરહદ પારથી ચાલતા ગુનાહિત સંગઠનમાં સામેલ થઈને ગંભીર ગુના આચરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તે વસૂલી , વિના લાઈસન્સે હથિયારોના વેપારનું કાવતરું ઘડવું, નશીલા પદાર્થો રાખવા, તેની તસ્કરી કરવી અને તેનું વેચાણ કરવા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સીધી રીતે સામેલ હતો. આ ગંભીર આરોપોના આધારે, ૨૫ જૂન ૨૦૨૬ના રોજ લૉસ એન્જિલિસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ગુરપ્રીત સિંહ સામે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
હાલમાં FBI આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સીઓ સાથે સંકલન સાધીને ગુરપ્રીત સિંહની ધરપકડ કરવા માટે તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. આ સાથે જ FBI એ સામાન્ય જનતા અને અન્ય માધ્યમોને પણ અપીલ કરી છે કે જો કોઈ પાસે ગુરપ્રીત સિંહ અંગેની જાણકારી હોય તો તેઓ એજન્સીનો સંપર્ક કરે.