Last Updated on by Sampurna Samachar
મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદમાં કરી મોટી કાર્યવાહી
રૂ. ૪.૨૫ કરોડનો માલસામાન ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોબાઇલ સ્કોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે ૧૨૦ કિલો ચાંદી, ૭૦૦ ગ્રામ સોનું તેમજ ૩ કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં માલસામાનના પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત રૂ. ૪.૨૫ કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી
આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.અધિકારીઓ દ્વારા માલસામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માલના સ્ત્રોત, ગંતવ્ય સ્થળ અને સંભવિત કરચોરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે.
આ ઘટનાએ વેપાર વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. રાજ્ય વેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કરચોરી અને ગેરકાયદેસર માલ પરિવહન સામે આવી પ્રકારની ઝુંબેશ આગામી સમયમાં પણ વધુ કડક બનાવવામાં આવશે.