જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી બાળકોને શાળાએ મુકશે નહીં વાલીઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોતાના બાળકો ભણે ગણે અને સારા હોદ્દા પર બિરાજે તેવું સપનું દરેક મા-બાપ જોતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકો શાળાએ ના જાય તેવું મા-બાપ ઈચ્છે ? પરંતુ આવી જ કંઈક ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. મહિસાગરમાં તંત્રના વાંકે હવે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે.
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જાતિનો દાખલો છેલ્લા અનેક વર્ષોથી આપવામાં નથી આવતો. આ વાત આજકાલની નથી, પરંતુ ૨૦૧૭-૧૮થી વાલીઓ પ્રશાસનને અપીલ કરી રહ્યા છે કે તેઓના બાળકોને જાતિના દાખલા આપવામાં આવે પરંતુ પ્રશાસન દ્વારા કોઈને કોઈ કારણે ગલ્લા તલ્લા થઈ રહ્યા હોય હવે વાલીઓ કંટાળ્યા છે.
તેઓનું કહેવું છે કે જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ નહી મોકલીએ.મંગળવારે સતત ચોથા દિવસે પણ આદિવાસી સમાજ દ્વારા પોતાના બાળકોને શાળાએ ન મોકલી પ્રશાસન સામેની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આજે ૭૮૪૧ બાળકો ગેરહાજર રહ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાલીઓ મક્કમ છે. જ્યાં સુધી જાતિના દાખલા નહી મળે ત્યાં સુધી બાળકોને શાળાએ મુકશે નહીં.