Last Updated on by Sampurna Samachar
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ભુજ એરફોર્સ સ્ટેશન પર મુલાકાત
ભારતીય સેનાની બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ગુજરાત પ્રવાસ દરમિયાન ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઓપરેશન સિંદૂર (OPERATION SINDUR) ની સફળતા બદલ વાયુસેનાના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. સંરક્ષણ મંત્રીએ પોતાના ભાષણમાં પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું કે લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલા સમયમાં તમે દુશ્મનોનો ખાત્મો કરી દીધો.
ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું તેનાથી બધા ભારતીયોને ગર્વ છે, પછી ભલે તેઓ ભારતમાં હોય કે વિદેશમાં. ભારતીય વાયુસેના માટે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદને કચડી નાખવા માટે માત્ર ૨૩ મિનિટ પૂરતી હતી. લોકોને નાસ્તો કરવામાં જેટલો સમય લાગે છે, એટલામાં તમે તમારા દુશ્મનોનો નાશ કરી દીધો.
મને વિશ્વાસ છે કે તમે ભારતની સરહદોને સુરક્ષિત રાખશો
ભૂજ એર બેઝ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, હું શ્રીનગરમાં આપણા બહાદુર સેનાના જવાનોને મળ્યો. આજે હું અહીં વાયુસેનાના સૈનિકોને મળી રહ્યો છું. હું ઉત્તરીય ક્ષેત્રમાં આપણા સૈનિકોને મળ્યો હતો અને આજે હું દેશના પશ્ચિમ ભાગમાં વાયુસેનાના સૈનિકો અને અન્ય સુરક્ષા કર્મચારીઓને મળી રહ્યો છું. બંને મોરચે ઉત્સાહ અને ઊર્જાનો માહોલ જોઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તમે ભારતની સરહદોને સુરક્ષિત રાખશો.
આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ બશીર બદ્રના એક શેર દ્વારા પાકિસ્તાનને સલાહ પણ આપી. તેમણે કહ્યું કે, કાગજ કા હૈ લિબાસ ચરાગો કા શહેર હૈ, સંભલ-સંભલ કે ચલના ક્યોંકિ તુમ નશે મેં હો. રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની માત્ર આ દેશમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.
આ ઓપરેશનમાં તમે માત્ર દુશ્મનને ના માત્ર ડોમિનેટ કર્યા છે, પરંતુ તેમને ડેસીમેટ કરવામાં પણ સફળ મેળવી છે. આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલા આ અભિયાનને સુપરહેડ આપણી એરફોર્સે કર્યું. આપણી એરફોર્સ એક એવી સ્કાય ફોર્સ છે, જેણે પોતાની બહાદુરી, હિંમત અને ગૌરવથી આકાશની નવી ઊંચાઈઓને આંબી છે. આપણી એરફોર્સ પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચે છે તે કોઈ નાની વાત નથી, આ વાત સાબિત થઈ ગઈ છે.
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે પરિસ્થિતિ એવી છે કે ભારતના ફાઈટર વિમાનો સરહદ પાર કર્યા વિના અહીંથી દેશના દરેક ખૂણા પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. આખી દુનિયાએ જોયું છે કે તમે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાને કેવી રીતે ધ્વસ્ત કર્યા. ત્યારબાદની કાર્યવાહીમાં તેમના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્યો.
રાજનાથ સિંહે કહ્યું કે બ્રહ્મોસ મિસાઇલની તાકાતનો પાકિસ્તાને પોતે સ્વીકાર કર્યો છે. આપણા દેશમાં એક ખૂબ જ જૂની કહેવત છે ધોળા દિવસે તારા બતાવવા. પરંતુ ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે રાતના અંધારામાં દુશ્મનને દિવસ જેવું અજવાળું બતાવ્યું. તેમણે કહ્યું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમના બધે જ વખાણ થઇ રહ્યા છે અને આકાશ અને અન્ય રડાર સિસ્ટમે તેમાં મોટી ભૂમિકા ભજવી છે.
વાયુસેનાના સૈનિકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, તમે પાકિસ્તાનમાં હાજર ટેરર ઇંફ્રાસ્ટ્રક્ચર સામે અસરકારક કાર્યવાહી કરી, પરંતુ પાકિસ્તાન ફરીથી ટેરર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવાનો પ્રયત્ન શરૃ કર્યો છે. ત્યાંની સરકાર પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પાસેથી વસૂલવામાં આવેલા ટેક્સના રૃપિયામાંથી લગભગ ચૌદ કરોડ રૃપિયા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આપવામાં ખર્ચ કરશે. જ્યારે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરની મુલાકાત લીધી હતી અને સૈન્ય જવાનોને સંબોધિત કર્યા હતા. રાજનાથ સિંહે શ્રીનગરથી પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનના ઘા રૂઝાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરે અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન થવા દે.