Last Updated on by Sampurna Samachar
‘જૈન સ્વીટ‘ અને ‘રાધે ડેરી‘ ખાતે ઓચિંતા દરોડા પડ્યા
અંદાજે ૮૫ કિલો જેટલો અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ મહાનગરપાલિકાએ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. રાજકોટમાં વાસી અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવા માટે મનપાની ફૂડ શાખા દ્વારા કડક ચેકિંગ અભિયાન કરવામાં આવ્યું હતુ. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને અખાદ્ય અને વાસી ખોરાકનો મોટો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો છે.

મળતી વિગતો અનુસાર, મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમે બાતમી અને રૂટિન ચેકિંગના ભાગરૂપે જાણીતી પેઢી ‘જૈન સ્વીટ‘ અને ‘રાધે ડેરી‘ ખાતે ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આ બંને ખાદ્ય પદાર્થના એકમોમાંથી શંકાસ્પદ અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો વાસી ખોરાક મળી આવ્યો હતો.
ભેળસેળિયા અને વાસી ખોરાક વેચતા વેપારીઓમાં ફફડાટ
તંત્રએ તાત્કાલિક એક્શન લઈને આ બંને સ્થળો પરથી અંદાજે ૮૫ કિલો જેટલો અખાદ્ય વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને તે તમામ જથ્થાનો ઘટનાસ્થળે જ જાહેરમાં નાશ કરી દીધો હતો. આ આકરા ઓપરેશન દરમિયાન ફૂડ શાખાની ટીમે અન્ય સંખ્યાબંધ નાના-મોટા ધંધાર્થીઓને ત્યાં પણ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સફાઈના અભાવ, લાયસન્સના નિયમોનો ભંગ અને શંકાસ્પદ સામગ્રી બદલ અનેક વેપારીઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે.
મનપાના અધિકારીઓએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ડ્રાઈવ વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે અને જે પણ વેપારીઓ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવો ખોરાક વેચશે તેમની સામે દંડાત્મક પગલાં લેવાશે. મનપાની આ આકરી કાર્યવાહીથી રાજકોટના ભેળસેળિયા અને વાસી ખોરાક વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.