Last Updated on by Sampurna Samachar
મૃતક મહિલા ગુજરાતના કચ્છના ગાંધીધામની રહેવાસી
ખચ્ચર પર સવાર હતા દરમિયાન બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક દુ:ખદ અકસ્માતની માહિતી સામે આવી છે. જેમાં પાર્વતી કુંડ નામના તીર્થસ્થળ પર અકસ્માત સર્જાયો હતો. કેસની માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે મહિલા યાત્રાળુ ઉત્તરાખંડના આદિ કૈલાશ શિખરની યાત્રા માટે ગઈ હતી. દરમિયાન, જોલિંગકોંગમાં એક પથ્થર સાથે અથડાવાથી તેનું મૃત્યુ થયું હતું. મૃતક મહિલા ગુજરાતના કચ્છના ગાંધીધામની રહેવાસી હતી.
પિથોરાગઢના ગુંજી પોલીસ સ્ટેશનના SHO આશુતોષ કુમારે જણાવ્યું હતું કે એક પથ્થર મહિલા પર પડતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૬૪ વર્ષીય મહિલા સનવાલા દેવયાનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા પાર્વતી સરોવર, શિવ મંદિર અને આદિ કૈલાશના દર્શન કર્યા પછી ખચ્ચર પર સવાર થઈને ગૌરીકુંડ જઈ રહી હતી, ત્યારે અચાનક ઉપરથી એક પથ્થર પડ્યો અને તેનું મોત નીપજ્યું.
મૃતક મહિલાના પરિવારને ઘટનાની જાણ કરાઇ
અકસ્માત બાદ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારચુલા મોકલી આપ્યો હતો અને મૃતકના સંબંધીઓને ઘટનાની જાણ કરી હતી. દરમિયાન, ધારચુલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનજીત સિંહે જણાવ્યું હતું કે, ‘શબ પોસ્ટમોર્ટમ માટે ધારચુલા પહોંચી ગયું છે અને અમે ગુજરાતથી તેના સંબંધીઓની રાહ જોઈ રહ્યા છીએ.’ પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ તેમને સોંપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પાર્વતી કુંડ જોલિંગકોંગમાં સ્થિત છે અને અહીંથી આદિ કૈલાશ શિખરનો અદભુત દૃશ્ય જોઈ શકાય છે, જેને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. ઓક્ટોબર ૨૦૨૩ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી આ પવિત્ર સ્થળ પ્રસિદ્ધિ પામ્યું.