Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ ગંગાઈકોંડાના કાર્યક્રમમાં આપી હાજરી
ચોલ સામ્રાજ્યના વખાણ કરતા PM મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આ રાજાની પૂજનીય ભૂમિ છે અને આજે જે રીતે ઈલૈયારાજાએ આપણા બધાને શિવની ભક્તિમાં ડૂબાડી દીધા, તે અદ્ભુત વાતાવરણ હતું. હું કાશીનો સાંસદ છું, જ્યારે હું ઓમ નમ: શિવાય સાંભળું છું, ત્યારે મારા રુંવાડા ઊભા થઈ જાય છે.

ચોલ સામ્રાજ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકારો માટે છે કે, ચોલ સામ્રાજ્યનો સમય ભારત માટે સુવર્ણ યુગ હતો. ચોલ સામ્રાજ્યએ ભારતને લોકતંત્રની જનની કહેવાની પરંપરાને પણ આગળ વધારી હતી. ઈતિહાસકારો લોકતંત્રનો નામે બ્રિટનના મેગ્ના કોર્ટા વિશે વાત કરે છે, પરંતુ સદીઓ પહેલા ચોલ સામ્રાજ્યમાં લોકતંત્ર પદ્ધતિ દ્વારા ચૂંટણી યોજાતી હતી.
આ મંદિર ભગવાન શિવને સમર્પિત
આપણે ઘણાં રાજાઓ વિશે સાંભળીએ છીએ જેઓ અન્ય સ્થળો પર વિજય મેળવ્યા પછી સોનું, ચાંદી અથવા પશુધન લાવ્યા હતા. પરંતુ રાજેન્દ્ર ચોલ ગંગાજળ લાવ્યા હતા. ગર્વથી વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વારાણસીના પ્રતિનિધિ અને ગંગાના પુત્ર તરીકે મને ફરી એકવાર આ ઐતિહાસિક ભૂમિ પર ગંગાજળ લાવવાનું સન્માન મળ્યું છે. આ એ જ સ્થાન છે જ્યાં ચોલ સમ્રાટ રાજેન્દ્ર ઉત્તર ભારતમાંથી ગંગાજળ લાવ્યા હતા અને તેને અહીં પોનેરી જળાશયમાં રેડ્યું હતું. તે માત્ર પાણી નહોતું, પરંતુ ઉત્તર અને દક્ષિણના આત્માઓનો સંગમ હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોલ યુગના ભગવાન બૃહદેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. તે વૈદિક અને શૈવ તિરુમુરાઈ મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કરતા જોવા મળ્યા અને પરંપરાગત રીતે શણગારેલો કળશ સાથે લાવ્યા હતા. મંદિરના પુજારીઓએ પૂર્ણ કુંભ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ચોલ શૈવ ધર્મ અને સ્થાપત્ય પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રદર્શનની પણ મુલાકાત લીધી.
ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક મંદિર છે, જે ૧૧મી સદીમાં ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમ દ્વારા બનાવાયું હતું. આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ગ્રેટ લિવિંગ ચોલ ટેમ્પલનો ભાગ છે, જેમાં તંજાવુરના બૃહદેશ્વર મંદિર અને દારાસુરમ ખાતે ઐરાવતેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. ગંગાઈકોંડા ચોલાપુરમ (ગંગા પર વિજય મેળવનાર ચોલ) નામ રાજેન્દ્ર ચોલના ગંગા નદી પરના વિજયની યાદમાં રાખવામાં આવ્યું છે.