Last Updated on by Sampurna Samachar
ઝારખંડના મંત્રી હફીજુલ હસનના નિવેદનથી માહોલ ગરમાયો
ભાજપ નેતા બાબુલાલ મરાંડીએ વિડીયો શેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં ભારત રત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ સન્માન અને ગૌરવ સાથે ઉજવવામાં આવી હતી. ત્યાં ઝારખંડ સરકારના મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન કરી બંધારણની મજાક ઉડાવતા રાજકારણ ગરમાયું છે. ઝારખંડ સરકારના મંત્રી હફીજુલ હસને બંધારણ અંગે કરેલું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, તેમના માટે શરિયત બંધારણથી ઉપર છે. આ નિવેદન બાદ વિપક્ષો, ખાસ કરીને ભાજપે રોષ વ્યક્ત કર્યો છે.
ભાજપ નેતા બાબુલાલ મરાંડીએ સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મંત્રી હસન એવું બોલી રહ્યા છે કે, ‘મારા માટે શરિયત મોટું છે, અમે છાતી પર કુરાનને રાખીએ છીએ અને હાથમાં બંધારણને. મુસ્લિમ પહેલા શરિયતને માનતો હોય છે, તેથી અમે પહેલા શરિયતને અપનાવીશું, ત્યારબાદ બંધારણને.’
ફક્ત તેમના સમુદાય પ્રત્યે વફાદાર
બાબુલાલ મરાંડીએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મંત્રી હાફિઝુલ હસન માટે બંધારણ નહીં પણ શરિયત મહત્વપૂર્ણ છે. તેઓ ફક્ત તેમના સમુદાય પ્રત્યે વફાદાર છે. ચૂંટણી દરમિયાન તેઓએ દલિતો, ગરીબો, આદિવાસીઓ પાસેથી મત માંગ્યા અને હવે તેઓ ઈસ્લામિક એજન્ડો ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’