Last Updated on by Sampurna Samachar
ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
સતારાના ૮ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વાત કરીએ તો કોંકણથી પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઈને આશરે ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દર્દનાક દુર્ઘટનામાં સતારાના ૮ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

મળતી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત રાયગઢના આંબેનલી ઘાટ પર સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની છે. આ તમામ યુવકો કોંકણના હરણાઈ બીચથી ફરીને વહેલી સવારે પોલાદપુર માર્ગ થઈને સતારા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતાં કાર સીધી ઊંડી ખીણમાં પડી ભાંગી હતી.
અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ કરાયું
આ અકસ્માત એ જ જગ્યાની આસપાસ થયો છે, જ્યાં વર્ષ ૨૦૧૮ માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી અને મોટો હોબાળો મચ્યો હતો. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેએ જણાવ્યું કે, વહેલી સવારે અંધારામાં કાર પરથી કાબૂ ગુમાવવાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાં જ પોલાદપુર પોલીસની ટીમ સહિત મહાબળેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ ખૂબ જ ઊંડી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં પહેલો મૃતદેહ દેખાયો હતો. અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમને આશરે ૫૦૦ થી ૭૦૦ ફૂટની ઊંડાઈએથી ૨ મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓ સતારા, આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા.