Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયુ
રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે ૨૦૦ થી વધારી ૫૦૦ કરાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં હવે પાલતુ શ્વાન માટેના નિયમો વધુ આકરા બનાવવામાં આવ્યા છે. સાથે જ હવે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ ડોગ રજિસ્ટ્રેશન ફી ૨૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦ રૂપિયા કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે લોકો ઘરમાં પેટ ડોગ રાખે છે, તેઓએ અમદાવાદ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ કરાવવી જરૂરી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પેટ ડોગ (DOG PETS) રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે ૨૦૦ રૂપિયા વસૂલાતા હતા, જેને બદલે હવે ૫૦૦ રૂપિયા ફી રાખવામાં આવી છે.
અમદાવાદમાં ૧૫,૫૦૪ પેટ ડોગનું રજિસ્ટ્રેશન
અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૩૧ મે સુધીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ હતી. ૩૧ મે સુધી અમદાવાદમાં ૧૫,૫૦૪ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ૩૧ મે સુધીમાં પાલતુ શ્વાનની નોંધણી ન કરનાર માલિકોના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. આ ર્નિણય શ્વાન માલિકોને ફરજિયાત નોંધણી કરાવવા માટે ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે.
આ નિયમનો ભંગ કરનાર પેટ ડોગ માલિકો માટે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ શ્વાનોની ગણતરી રાખવાનો, તેમની આરોગ્ય સ્થિતિ પર નજર રાખવાનો અને રખડતા શ્વાનોના પ્રશ્નને અંકુશમાં લેવામાં મદદ કરવાનો છે. તેમજ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સમયસર પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવીને દંડથી બચી શકે છે.