Last Updated on by Sampurna Samachar
“કેબ ડ્રાઈવરને AC ચાલુ કરવાનું કહ્યું તો ના પાડી દીધી”
ઘટના અંગે ઓલાના ગ્રાહક સપોર્ટમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગર્ભવતી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે ઓલા કેબ ડ્રાઇવરને AC ચાલુ કરવાનું કહ્યું. ત્યારે ઓલા (OLA) ના ડ્રાઈવરે મહિલાના ગર્ભમાં ઉછરતાં બાળકને લાત મારી મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી. મહિલા નોઈડા એક્સટેન્શનથી સાકેત જઈ રહી હતી. આ ઘટના ઓલા કેબની મુસાફરી દરમિયાન બની હોવાનું કહેવાય છે. મહિલાએ દાવો કર્યો હતો કે, જ્યારે મેં કેબ ડ્રાઈવરને AC ચાલુ કરવાનું કહ્યું. ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
મળતા અહેવાલ પ્રમાણે મહિલાએ લિંક્ડઇન પર ઘટનાનું વર્ણન કર્યું અને કહ્યું, મેં નોઇડા એક્સટેન્શનથી સાકેત માટે કેબ બુક કરાવી હતી. જ્યારે મેં તેને મુસાફરી દરમિયાન AC ચાલુ કરવાનું કહ્યું, ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી. જ્યારે મેં AC ચાલુ કરવાનો આગ્રહ કર્યો તો ડ્રાઈવર કથિત રીતે ગુસ્સો થઈ ગયો હતો અને તેણે મને ધમકી આપી કે, ” હું તારા પેટમાં લાત મારીશ અને અહીં જ ગર્ભપાત થઈ જશે”, જ્યારે તે જાણતો હતો કે હું ગર્ભવતી છું. આ સાથે ડ્રાઇવરે મને કેબમાંથી અધવચ્ચે જ ઉતરી જવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે, “બસ રાહ જુઓ અને આગળ શું થાય છે તે જુઓ.”
ડ્રાઇવર સામે યોગ્ય કાર્યવાહી થઇ
રિપોર્ટ પ્રમાણે મહિલાએ કહ્યું કે, તેણે આ ઘટના અંગે ઓલાના ગ્રાહક સપોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અને મહિલા હેલ્પલાઇનને પણ આ ઘટનાની જાણ કરી છે. જવાબમાં, કંપનીએ મહિલાને ખાતરી આપી કે ડ્રાઇવર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ કહ્યું, ઓલા કેબ સાથે તમારી મુસાફરી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે અમે માફી માંગીએ છીએ. અમે ભાગીદાર સામે યોગ્ય કાર્યવાહી કરી છે, જેથી નજીકના ભવિષ્યમાં આવી સમસ્યાઓ દૂર થઈ શકે.