Last Updated on by Sampurna Samachar
મગફળી અને સોયાબીન જેવા પાકોને મોટું નુકસાન થઈ શકે
HDFC બેંક ટ્રેઝરી રિસર્ચનો એક નવો રિપોર્ટ સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂન માસની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ખેતરો અને બિયારણ તૈયાર છે, પરંતુ આ વખતે ચિંતા માત્ર વરસાદની નથી, પણ ચોમાસું કેટલો સાથ આપશે તેની છે. ભારતમાં ચોમાસું માત્ર હવામાન નથી, પરંતુ તે ખેડૂતોની આવક, ગામડાંની અર્થવ્યવસ્થા અને શહેરોમાં રહેતા લોકોના રસોડાનું બજેટ નક્કી કરે છે. આ દરમિયાન HDFC બેંક ટ્રેઝરી રિસર્ચનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ચિંતા વધારી દીધી છે.

રિપોર્ટ અનુસાર, ૨૦૨૬નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વર્ષે વરસાદ લોન્ગ પીરિયડ એવરેજના ૯૦ ટકા જેટલો જ રહેશે, એટલે કે સરેરાશ કરતાં ૧૦ ટકા વરસાદ ઓછો પડી શકે છે. તેના કારણે કૃષિ ઉત્પાદન અને મોંઘવારીને લઈને આશંકાઓ મજબૂત બની છે.
છેલ્લા ૨૫ વર્ષોમાં ભારતમાં ૭ વખત અલ નિનોની સ્થિતિ બની
આ ચિંતા પાછળનું મુખ્ય કારણ ‘અલ નિનો’ છે. અલ નિનો એ પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના તાપમાન સાથે જોડાયેલી એક ભૌગોલિક ઘટના છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે ભારતમાં ચોમાસાના પવનો નબળા પડે છે. છેલ્લા ૨૫ વર્ષોમાં ભારતમાં ૭ વખત અલ નિનોની સ્થિતિ બની છે, જેમાંથી ૬ વખત ચોમાસું નબળું રહ્યું છે અને વરસાદમાં ૮ થી ૧૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૨, ૨૦૦૯ અને ૨૦૧૮માં વરસાદમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. રિપોર્ટ દર્શાવે છે કે ચોમાસામાં દર ૧ ટકાનો ઘટાડો કૃષિ ક્ષેત્રના ગ્રોથ રેટને ૦.૪ ટકા જેટલો ઘટાડી શકે છે.

સિંચાઈની મર્યાદિત સુવિધા ધરાવતા અને સંપૂર્ણપણે વરસાદ પર ર્નિભર ખેડૂતો માટે નબળું ચોમાસું મોટી મુશ્કેલી ઊભી કરશે. બાજરી, મકાઈ અને તેલીબિયાં: આ પાક નબળા ચોમાસા સામે સૌથી વધુ સંવેદનશીલ છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન જેવા પાકોને મોટું નુકસાન થઈ શકે છે. રાજસ્થાન દેશમાં ૪૫ ટકા બાજરીનું ઉત્પાદન કરે છે, પરંતુ ત્યાં બાજરીના કુલ વિસ્તારમાંથી માત્ર ૪.૩ ટકા ભાગ જ સિંચાઈ હેઠળ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવી જ સ્થિતિ છે.
રિપોર્ટમાં ડાંગરના પાકને લઈને થોડી રાહત આપવામાં આવી છે. દેશમાં ડાંગરના આશરે ૭૦ ટકા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે, જે ૨૦૦૦ની વર્ષની શરૂઆતમાં માત્ર ૫૦ ટકા હતી. આ ઉપરાંત, ડાંગરનું ઉત્પાદન દેશના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હોવાથી કોઈ એક વિસ્તારમાં હવામાન બગડવા છતાં દેશના કુલ ઉત્પાદન પર બહુ મોટી અસર થતી નથી.
દાળની ચિંતા: ખરીફ સીઝનની દાળ જેમ કે અડદ, મગ અને તુવેર પર જાેખમ વધારે છે. મહારાષ્ટ્ર દેશની ૪૦ ટકા તુવેરનું ઉત્પાદન કરે છે, પરંતુ ત્યાં આ પાક માટે સિંચાઈનો દાયરો માત્ર ૧૪ ટકા જ છે.
નબળા ચોમાસાનો અર્થ એવો નથી કે રબી પાક પણ ખરાબ જશે. એપ્રિલ ૨૦૨૬ સુધીમાં દેશના જળાશયોમાં પાણીનું સ્તર કુલ ક્ષમતાના ૪૧ ટકા સુધી પહોંચી ગયું છે, જે ૨૦૨૨ પછીનું સૌથી શ્રેષ્ઠ સ્તર છે. આનાથી ઘઉં અને અન્ય રબી પાકોને એક સુરક્ષા કવચ મળશે.
જો જૂન-જુલાઈના વાવણીના સમયગાળા દરમિયાન જ વરસાદની અછત સર્જાય (જેમ કે ૨૦૦૨, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૫માં થયું હતું), તો ઉત્પાદન પર ગંભીર અસર પડે છે. વર્ષ ૨૦૨૩માં અલ નિનોની અસર સીઝનના અંતમાં જોવા મળી હતી, તેથી મોટું નુકસાન થયું ન હતું.
મોંઘવારીની અસલી કહાની: ટામેટા, દૂધ અને ડુંગળી
નબળા ચોમાસાના કારણે સામાન્ય વર્ષોની સરખામણીએ ખાદ્ય મોંઘવારી આશરે ૧૭૦ બેસિસ પોઈન્ટ વધુ રહેવાની શક્યતા છે. મે ૨૦૨૬માં ટામેટાના ભાવમાં મહિના દર મહિનાના આધારે ૩૪ ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. હીટવેવના કારણે ઉત્પાદન પ્રભાવિત થતાં ભાવ હજુ વધી શકે છે.
દૂધના ભાવ વધશે: ભીષણ ગરમીને કારણે પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા ઘટે છે અને ઘાસચારાની અછત સર્જાતા ડેરી ખેડૂતોનો ખર્ચ વધે છે, જેથી દૂધ મોંઘું થઈ શકે છે.
બટાકા અને ડુંગળી: રબી પાક સારો હોવાથી હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જાે ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે આવનારો ખરીફ ડુંગળીનો પાક બગડશે તો વર્ષના અંતમાં ડુંગળી પણ મોંઘી થશે.
ભારતમાં અનાજની કિંમતોનો વૈશ્વિક બજાર સાથે સીધો સંબંધ છે. અલ નિનોની અસર થાઈલેન્ડ, વિયેતનામ અને ફિલિપિન્સ જેવા ચોખા ઉત્પાદક દેશો પર પણ પડશે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ એશિયાના તણાવને કારણે એપ્રિલ ૨૦૨૬માં વૈશ્વિક સ્તરે યુરિયાના ભાવમાં ૧૨૨ ટકા અને ડીએપીના ભાવમાં ૧૪ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. ભારત પોતાની જરૂરિયાતના ૩૦ ટકા ખાતર આયાત કરતું હોવાથી ખેડૂતોની ખર્ચ-લાગત વધશે.
ચોમાસું નબળું રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા હેઠળ કામની માંગ વધી જાય છે. અહેવાલ મુજબ, અલ નિનો વાળા વર્ષોમાં ખેડૂતો અનિશ્ચિતતાના કારણે ટ્રેક્ટર અને દ્વિચક્રી વાહનો જેવી મોટી ખરીદીઓ ટાળે છે, જેથી ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મંદી જોવા મળી શકે છે.