Last Updated on by Sampurna Samachar
વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરે છે , કિરેન રિજ્જુએ વિપક્ષને બનાવ્યુ નિશાન
કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ કિરેન રિજ્જુની કરી ટીકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચા માટે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, ૨૦૨૫ રજૂ કર્યું હતું. આ અંગે સત્તાધારી NDA અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે જોરદાર ચર્ચા અને હોબાળો થઈ રહ્યો છે. બિલ રજૂ કરતી વખતે રિજિજુએ કહ્યું હતું કે અગાઉની UP એ સરકારે વકફ એક્ટમાં ફેરફાર કરીને તેને અન્ય કાયદાઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યો હતો, તેથી નવા સુધારાની જરૂર હતી.
ગૃહમાં વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા રિજિજુએ કહ્યું કે તમે એવા મુદ્દાઓ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો જે વકફ બિલનો ભાગ નથી. ઉલ્લેખનીય છે કે NDA ના સાથી પક્ષો જેમ કે JDU , TDP અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ પણ સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ભાજપ મુસ્લિમ સમુદાયના જીવન પર નજર રાખે છે
બીજી તરફ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ આ બિલનો જોરદાર વિરોધ કરી રહી છે. કોંગ્રેસ (CONGRESS) , સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ તેને બંધારણની વિરુદ્ધ અને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ બિલ વિરુદ્ધ દેશવ્યાપી પ્રદર્શનની અપીલ કરી છે. સંખ્યાની દૃષ્ટિએ, NDA લોકસભામાં મજબૂત છે, ૨૯૩ સાંસદો સાથે, જ્યારે બિલ પસાર કરવા માટે ૨૭૨ મતોની જરૂર છે.
લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ વકફ સુધારા બિલ પર વાત કરી. તેમણે કહ્યું, “આજે સરકારની નજર એક ચોક્કસ સમુદાયની જમીન પર છે. આવતીકાલે તેમની નજર સમાજના અન્ય લઘુમતીઓની જમીનો પર હશે.” તેમણે વધુમાં કહ્યું, “તેઓ (સરકાર) એવો ભ્રમ ફેલાવવા માંગે છે કે વર્તમાન કાયદો મહિલાઓ વિરુદ્ધ છે, મહિલાઓને અત્યારે કોઈ ભૂમિકા નથી મળતી. આ બધી જોગવાઈઓ પહેલાથી જ કાયદામાં છે, પછી ભલે તે વિધવાઓનું રક્ષણ હોય કે મહિલાઓને વધુ મદદ આપવી.
તેઓ સુધારાની વાત કરે છે, પરંતુ જે રાજસ્વ આવવું જોઈતું હતું તેને ઘટાડ્યું. શા માટે તેઓએ આવક ૭% થી ઘટાડીને ૫% કરી? અમે સૂચવીએ છીએ કે તેને ઘટાડવાને બદલે, તમારે આ આવકને ૭% થી વધારીને ૧૧% કરવી જોઈએ” કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ ૨૦૧૩ના વક્ફ બોર્ડ મુદ્દે સંસદને ગેરમાર્ગે દોરવા બદલ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની ટીકા કરી હતી. વિપક્ષ તરફથી વકફ બિલ પર ચર્ચા શરૂ કરતા આસામના કોંગ્રેસના સાંસદે કહ્યું કે ભાજપ હવે મુસ્લિમ સમુદાયના જીવન પર નજર રાખી રહ્યું છે.