Last Updated on by Sampurna Samachar
માર્ગ અકસ્માતની ઘટનાના ક્લેમ કેસ દરમિયાન ચુકાદો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે ફૂટપાથ પર ચાલવા અંગે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું કે, ‘ફૂટપાથ પર ચાલવાનો અધિકાર એક મૌલિક અધિકાર છે.’ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા માટે પણ કહ્યું છે. આ કાયદા દ્વારા પગપાળા ચાલતા મુસાફરો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેની જાળવણી માટે સ્થાનિક નગર નિગમોની જવાબદારી નક્કી કરવા માટે જણાવવામાં આવ્યું છે.

જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને અતુલ એસ. ચંદુરકરની બેંચે સ્પષ્ટ કહ્યું કે, બંધારણના આર્ટિકલ અને આર્ટિકલ ૨૧ હેઠળ મુક્તપણે ફરવાના અધિકારમાં પગપાળા ચાલવાનો સમાવેશ થાય છે. આ અધિકાર મોટર વાહનોથી આવવા-જવાની તુલનામાં વધુ મહત્ત્વ ધરાવે છે. જો કોઈ નાગરિકના આ અધિકારનો ભંગ થશે, તો તે જવાબદાર સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરીને વળતર માંગી શકશે.
અકસ્માત થયો ત્યાં કોઈ ફૂટપાથ કે ક્રોસિંગની વ્યવસ્થા ન હતી
કોર્ટે નોંધ્યું કે, રસ્તાઓ બનાવવાની સાથે પગપાળા ચાલતા મુસાફરો માટે સારા ફૂટપાથ બનાવવાની જવાબદારી શહેરી વિકાસ સત્તામંડળ, મહાનગરપાલિકાઓ અને પંચાયતોની છે. હાલમાં આપણું નગર પ્રશાસન માત્ર વાહનો અનુકૂળ રસ્તાઓ બનાવવામાં વ્યસ્ત છે અને પગપાળા ચાલનારાઓને કિનારે ધકેલી દેવાયા છે, પરંતુ હવે એવું નહીં ચાલે.
આ ચુકાદો ૨૦૧૬માં બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનાના ક્લેમ કેસ દરમિયાન આવ્યો છે. શાળાએ જઈ રહેલા ૫ વર્ષના માસૂમ બાળકને પાછળથી આવતા ટેન્કરે ટક્કર મારી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. જે રસ્તા પર આ અકસ્માત થયો ત્યાં કોઈ ફૂટપાથ કે ક્રોસિંગની વ્યવસ્થા ન હતી.
મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે આ કેસમાં ૭.૮૨ લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું, જેને હાઈકોર્ટે ઘટાડીને ૪.૭૦ લાખ રૂપિયા કરી દીધું હતું. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ ર્નિણયને ભૂલભરેલો ગણાવી વળતરની રકમ વધારીને ૧૧,૪૪,૬૨૮ રૂપિયા કરી છે અને વીમા કંપનીને ૨ મહિનાની અંદર આ રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.