Last Updated on by Sampurna Samachar
સંઘ પ્રમુખ મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
સાંસદ નીતિન ગડકરીએ PM મોદીનું સ્વાગત કર્યુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ વર્ષમાં પ્રથમવાર નાગપુર સ્થિત RSS મુખ્યાલય પહોંચ્યા હતા. અહીંના સ્મૃતિ મંદિરમાં તેમણે RSS ના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીએ સ્મૃતિ મંદિરની વિઝિટર બુકમાં એક સંદેશની સાથે હસ્તાક્ષર પણ કર્યા છે. તેમણે લખ્યું- ‘પરમ પૂજનીય ડો. હેડગેવાર અને પૂજ્ય ગુરૂજીને શત્-શત્ નમન. ‘ તેમની યાદોને યાદ કરવા આ સ્મૃતિ મંદિરમાં આવીને હું અભિભૂત છું. ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રવાદ અને સંગઠનના મૂલ્યોને સમર્પિત આ સ્થાન આપણને રાષ્ટ્રની સેવામાં આગળ વધવાની પ્રેરણા આપે છે. PM મોદીએ લખ્યુ, સંઘના બે મજબૂત સ્તંભોનું આ સ્થળ દેશની સેવામાં સમર્પિત લાખો સ્વયંસેવકો માટે ઉર્જાનો સ્ત્રોત છે. આપણા પ્રયાસોથી મા ભારતીનું ગૌરવ સદાય વધતું રહે.
મતભેદ હોવાની ખોટી અફવા ફેલાવે છે લોકો
નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી તથા નાગપુર સાંસદ નીતિન ગડકરીએ PM મોદીનું સ્વાગત કર્યુ હતું. RSS હેડક્વાર્ટરના પ્રવાસ દરમિયાન બંને નેતા PM મોદી સાથે રહ્યા હતા. બિહાર અને બંગાળની વિધાનસભા ચૂંટણી પહેલાં જ RSS એ ભાજપ સાથે પોતાનું જોડાણ મજબૂત હોવાનો પુરાવો આપતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (MODI) ની મુલાકાત વચ્ચે ભાજપ અને RSS વચ્ચે મતભેદો હોવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સંઘે જણાવ્યું છે કે, ભાજપની સાથે અમારે કોઈ મતભેદ નથી. લોકો ખોટી અફવાઓ ફેલાવી રાજકીય લાભ લેવા માંગે છે. આ મુલાકાત અંગે RSS ના નેતાએ જણાવ્યું કે, જે લોકો સંઘ અને ભાજપ વિશે કશું જાણતા નથી. તેઓ અમારા બંનેની વચ્ચે મતભેદ હોવાની ખોટી અફવા ફેલાવે છે. તેઓ પોતાના રાજકીય લાભ માટે આમ કરી રહ્યા છે.