Last Updated on by Sampurna Samachar
આટલી નાની વાતને બિનજરૂરી રીતે મુદ્દો બનાવાયો
હવે સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટીકાનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી ‘શિક્ષા ક્રાંતિ’ યોજના હેઠળ શાળાઓમાં શૌચાલયોના સમારકામ જેવા નાના કામો માટે પણ તકતીઓ લગાવવાના ર્નિણયને કારણે હવે સોશિયલ મીડિયા પર મીમ્સ અને ટીકાનો માહોલ છે.
લોકોએ આમ આદમી પાર્ટીના નેતાઓને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે, તેને કરદાતાઓના પૈસાનો બગાડ ગણાવ્યો છે. ઉદ્ઘાટન થયું હોય કે ન થયું હોય, આ તકતીઓ પર મુખ્યમંત્રી ભગવંત માન અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સના નામ કોતરેલા છે, જ્યારે સ્થાનિક ધારાસભ્યનું નામ તેમની નીચે લખેલું છે.
નાના કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો પણ ઉલ્લેખ
સોશિયલ મીડિયા પર બે તકતીઓ વાયરલ થઈ રહી છે. એક બરનાલાની શહીદ સિપાહી દલીપ સિંહ સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળા, ઘુનાસની છે. બીજો ફાઝિલ્કાની સરકારી સ્માર્ટ સ્કૂલ ભાંગુની છે. આ તકતીઓમાં શૌચાલયના સમારકામ જેવા નાના કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો પણ ઉલ્લેખ છે.
ટ્વિટર પર “ટ્રેક્ટર ૨ ટ્વિટર પંજાબ” નામના હેન્ડલે સરકારની પહેલને કરદાતાઓના પૈસાનો ખુલ્લેઆમ બગાડ ગણાવ્યો. તેમણે લખ્યું, “એ માનવું મુશ્કેલ છે કે ધારાસભ્ય શૌચાલયના સમારકામ માટે પણ શિલાન્યાસ કરી રહ્યા છે.” આના પર પ્રતિક્રિયા આપતા, એક યુઝર ગુરકીરત સિંહે લખ્યું, “દર વખતે એ જ મંત્રી, એ જ કામ. હરજોત સિંહ બેન્સ ખરેખર ‘ટોયલેટ કિંગ ઓફ પંજાબ’ બનવાની રેસમાં છે. આ વિકાસ નથી, પણ ભ્રમ છે.”
જોકે, કેટલાક યુઝર્સે આ પહેલને ટેકો આપ્યો હતો. એક યુઝરે લખ્યું, “શૌચાલય એક મહત્ત્વપૂર્ણ સુવિધા છે, ખાસ કરીને છોકરીઓ માટે. આટલી નાની વાતને બિનજરૂરી રીતે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.” આ દરમિયાન, અન્ય એક યુઝર માણિક ગોયલે લખ્યું, “મોટા પ્રોજેક્ટ્સ માટે તકતીઓ લગાવવી ઠીક છે, પરંતુ આવા નાના કામો માટે, તે ટાળવું જોઈએ જેથી પૈસા બચાવી શકાય.”
લોકો એ પણ યાદ અપાવી રહ્યા છે કે જ્યારે ભગવંત માન ફક્ત સાંસદ હતા અથવા જ્યારે આપ પંજાબમાં સત્તામાં હતી, ત્યારે આવા તકતીઓ ટાળવામાં આવતી હતી. તે સમયે, વિકાસ કાર્યમાં ફાળો આપનારાઓના નામ પણ પથ્થરની તકતીઓ પર લખેલા નહોતા.