Last Updated on by Sampurna Samachar
આ અકસ્માતમાં ૩ જવાન શહીદ થયા
વાહનમાં કુલ ૧૦ સૈનિકો હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેનાની ગાડીનો એક મોટો અકસ્માત સર્જાયો હતો. સેનાની એક ગાડી લગભગ ૬૦૦ મીટર ઊંડી ખાઈમાં ખાબકતાં આ દુ:ખદ અકસ્માતમાં ત્રણ સૈનિકો શહીદ થયા હતા. જેના પગલે સેના અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત બેટરી ચશ્મા વિસ્તાર નજીક સવારે થયો હતો. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયંસેવકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે આ અકસ્માતમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે, જેમની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.
પોસ્ટ તરફ જતી વખતે સૈનિકોનો અકસ્માત
સેનાના જવાનો વાહનમાં પોતાની પોસ્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. વાહનમાં કુલ ૧૦ સૈનિકો મુસાફરી કરી રહ્યા હતા. આ વિસ્તાર પર્વતીય છે, જેના કારણે રાહત કાર્યમાં પણ પડકારો ઉભા થયા હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની સામે નિયંત્રણ રેખા (LOC) પર કોઈપણ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો તાત્કાલિક અને સચોટ જવાબ આપ્યો. સેનાએ કહ્યું કે તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.