વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના વટવા GIDC માં GST વિભાગ દ્વારા ૩ થી ૪ વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદમાં કેમિકલ મેન્યુફેક્ચરરને ત્યાં બે યુનિટ અને કેમિકલ ખરીદતા બે વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અધિકારીઓએ હિસાબી વ્યવહારો જપ્ત કર્યા છે. જોકે, કોઈ રોકડ મળી ન આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉદ્યોગપતિઓએ કરચોરી કરી છે કે નહીં તે તપાસ બાદ માલૂમ પડશે. અગાઉ ગોધરામાં સેન્ટ્રલ GST ના દરોડા પડ્યા હતા. અધિકારીઓએ ખાદ્ય તેલના વેપારીઓ સહિત જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા પાયે કરચોરી થઈ હોવાની શંકાને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, આવા દરોડાથી વેપાર-ધંધાને અસર થાય છે અને ભરોસો ઓછો થાય છે. GST દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની વધુ વિગતો થોડા સમયમાં સામે આવશે.