Last Updated on by Sampurna Samachar
પોલીસથી બચવા જમીનમાં સ્ટોરેજ બનાવ્યુ પણ પોલીસે કારસ્તાન ઝડપી લીધું
એકની ધરપકડ કરાઇ તો મહિલા બુટલેગર ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દારૂની હેરાફેરી કરતા બુટલેગરો દારૂ માટે નવા નવા પેંતરા અજમાવતા હોય છે. ત્યારે વડાદરામાં આ જ રીતે દારૂને પોલીસથી બચાવવા માટે બુટલેગરે નવો કિમીયો અજમાવ્યો છે. જેની વાત કરીએ તો બુટલેગરે જમીનમાં ખાડો ખોદીને પીપળાનું સ્ટોરેજ અને ફ્રીઝર બનાવ્યું છે. જ્યાં અંડરગ્રાઉન્ડ પીપડામાં બરફ નાખી ઠંડી બિયર વેચવાનું કારસ્તાન પોલીસે ઝડપી પાડ્યું છે.. જેમાં સ્થાનિક પોલીસે ૫૮,૦૦૦ થી વધુના મુદ્દામાલ સાથે અજય નામના બુટલેગરની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલા બુટલેગર ફરાર છે.
PCB એ બાતમીના આધારે સયાજીપુરા વુડાના મકાનમાં રેડ પાડતા આ મોટું કારસ્તાન સામે આવ્યું હતું. પોલીસે ૫૮ હજારના મુદ્દામાલ સાથે બુટલેગર અજય ઉધરેજીયાની ધરપકડ કરી લીધી છે. સયાજીપુરામાં વિદેશી દારૂનો ધંધો કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની ૨૪૦થી વધારે બોટલ કબજે કરી છે.
પોલીસે મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સયાજીપુરા પાણીની ટાંકી પાસે મહાશક્તિ વુડાના મકાનમાં રહેતો અજય ભરતભાઈ ઉધરેજીયા પોતાના ઘરના બાજુના બ્લોકમાં રહેતી દાદીના ઘરે વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની માહિતી પીસીબીને મળી હતી. જે મુજબ પોલીસની ટીમે ત્યાં જઈને સ્થળ પર રેડ કરી હતી. પોલીસે અજયને ઝડપી પાડ્યો હતો. તેના મકાનમાં તેમજ અવાવરુ જગ્યાએ ખાડો ખોદીને પીપડું ઉતારી તેમાં દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો.
પોલીસે દારૂની ૨૪૧ બોટલ કિંમત રૂપિયા ૫૩,૩૫૦ ની કબજે કરી હતી. જ્યારે આજવા રોડની રહેવાસી મીનાબેન જીતેશભાઇ ગોદડીયા ત્યાંથી ફરાર થઈ ગઈ છે. પોલીસે આ મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.